ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ પગલાં બાદ ભારતમાં પણ આવી જ નીતિ અમલમાં લાવવાની સંભાવના અંગે ચર્ચા શરૂ થઈ છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે કેન્દ્ર સરકારને આ દિશામાં વિચારવા માટે મહત્વપૂર્ણ સૂચન કર્યું છે.
2018માં દાખલ કર્યો હતો મુદ્દો
હાઈકોર્ટમાં આ મુદ્દો 2018માં દાખલ થયેલી જાહેર હિતની અરજી દરમિયાન સામે આવ્યો હતો. મદુરાઈ જિલ્લાના એસ. વિજયકુમારે અરજીમાં ચિંતા વ્યક્ત કરી હતી કે પોર્નોગ્રાફિક અને બાળ જાતીય શોષણ સંબંધિત સામગ્રી (CSAM) ઇન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ છે અને તે સગીર બાળકો સુધી પહોંચી રહી છે. તેમણે દલીલ કરી હતી કે આવી સામગ્રી બાળકોના માનસિક અને ભાવનાત્મક વિકાસ માટે ગંભીર જોખમરૂપ છે.
જનજાગૃતિ ફેલાવવાના નિર્દેશ આપવા માટે અપીલ
અરજીમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અને તમિલનાડુ બાળ અધિકાર સંરક્ષણ આયોગને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ મારફતે જનજાગૃતિ ફેલાવવાના નિર્દેશ આપવા માટે અપીલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, મદ્રાસ હાઈકોર્ટે નોંધ્યું હતું કે ઓનલાઈન બાળ જાતીય દુર્વ્યવહાર સામગ્રી ધરાવતી વેબસાઇટ્સ અને URL સતત બદલાતા અને સક્રિય રહે છે, જેના કારણે માત્ર ટેક્નિકલ બ્લોકિંગ પૂરતું સાબિત થતું નથી.
કંટ્રોલ એપ્સ અથવા ફીચર્સ એક અસરકારક સાધન
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે યુઝર-એન્ડ કંટ્રોલ અત્યંત જરૂરી છે. પેરેંટલ કંટ્રોલ એપ્સ અથવા ફીચર્સ એક અસરકારક સાધન બની શકે છે, પરંતુ તેના માટે માતા-પિતાને પણ પૂરતી જાણકારી હોવી જરૂરી છે. હાઈકોર્ટના મત મુજબ, અંતિમ વપરાશકર્તાઓને બાળ પોર્નોગ્રાફીના જોખમો, તેની અસર અને તેને કેવી રીતે અટકાવવી તે અંગે શિક્ષિત કરવું અનિવાર્ય છે.
ભારતમાં લાવવાની શક્યતા તપાસવાની સલાહ
આ સંદર્ભમાં, મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા પસાર કરાયેલા કાયદા જેવો કાયદો ભારતમાં લાવવાની શક્યતા તપાસવાની સલાહ આપી છે, જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.
સુરક્ષા ઉપાયો અંગે માહિતગાર કરવાનું મહત્વ
વચગાળાની વ્યવસ્થા તરીકે, હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે જ્યાં સુધી આવો કોઈ કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી સંબંધિત અધિકારીઓએ જનજાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવું જોઈએ. આ અભિયાન દ્વારા બાળકો, માતા-પિતા અને શિક્ષકોને ઓનલાઈન જોખમો અને સુરક્ષા ઉપાયો અંગે માહિતગાર કરવાનું મહત્વ કોર્ટએ રેખાંકિત કર્યું છે.
આ પણ વાંચો : Flash Back 2025: iPhone 16 Proથી લઇને Mac Book Air 3 સુધી, જાણો Appleએ કેટલા ડિવાઇસ કર્યા બંધ