મંગળવારે, જ્યારે આરબ લીગ, યુરોપિયન યુનિયન, રશિયા અને ચીન સહિત 85 દેશોના જૂથે પશ્ચિમ કાંઠે ઇઝરાયલની એકપક્ષીય કાર્યવાહીની ટીકા કરતું નિવેદન બહાર પાડ્યું, ત્યારે ભારતે તેનાથી પોતાનું અંતર જાળવી રાખ્યું. પરંતુ હવે એવા સમાચાર છે કે ભારતે આ યાદીમાં પોતાનું નામ ઉમેર્યું છે.

ઇઝરાયલ વિરુદ્ધના ઠરાવથી અંતર

ભારતે પહેલા ઇઝરાયલ વિરુદ્ધના ઠરાવથી પોતાને દૂર રાખતા મિત્રતાનાં ભાવે ઇઝરાયલ માટે કોઈ જાતનું નિવેદન આપવાથી અંતર રાખ્યું હતું. આરબ લીગ, યુરોપિયન યુનિયન, રશિયા, ચીન અને બ્રિટન જેવા દેશો પશ્ચિમ કાંઠે ઇઝરાયલની એકપક્ષીય કાર્યવાહીની ટીકા કરી રહ્યા હતા એ સમયે ભારતે કોઈપણ નિવેદન આપવાનું ટાળ્યું હતું જે બાદ ભારતે 85 દેશો સાથે સંયુક્ત નિવેદનમાં પશ્ચિમ કાંઠે ઇઝરાયલની એકપક્ષીય કાર્યવાહીની સખત નિંદા કરી હતી.

85 દેશો દ્વારા સંયુક્ત નિવેદન "સ્ટેકઆઉટ"

આ નિવેદનને આરબ લીગ, યુરોપિયન યુનિયન, બ્રિક્સના સ્થાપકો - રશિયા, ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા - ભારતના ક્વાડ ભાગીદારો ઓસ્ટ્રેલિયા અને જાપાન, અને પડોશી બાંગ્લાદેશ, માલદીવ, મોરેશિયસ અને પાકિસ્તાન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. પશ્ચિમ કાંઠે ઇઝરાયલી કાર્યવાહીની ચર્ચા કરવા માટે યુએનની બેઠક પહેલા આ નિવેદન જારી કરવામાં આવ્યું હતું. ગુરુવારે વોશિંગ્ટનમાં યુએસના નેતૃત્વ હેઠળની બોર્ડ ઓફ પીસની બેઠક પહેલા જારી કરાયેલ આ નિવેદન ઇઝરાયલ અને તેના સાથી યુનાઇટેડ સ્ટેટ્સ પર દબાણ લાવવાનો પ્રયાસ કરતા હોય એવું લાગી રહ્યું  છે.

ઇઝરાયલના એકપક્ષીય નિર્ણયોની સખત નિંદા

ઇઝરાયલ તરફથી દુશ્મન દેશ તરફ કરવામાં આવતી કાર્યવાહીથી નાટો દેશના સભ્યો ખુબજ નારાજ થયા છે એ વાત એકદમ સાફ છે. અમેરિકાએ જગત જમાદાર બનીને આ બાબતે રશિયાની જેમ ઇઝરાયલ પર પણ રાજકીય દબાણ લાદવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઇઝરાયલ એકનું બે ન થતા આખરે અરબ લીગ, યુરોપિયન યુનિયન, રશિયા અને ચીન સહિત 85 દેશોના જૂથે પશ્ચિમ કાંઠે ઇઝરાયલની એકપક્ષીય કાર્યવાહીની ટીકા કરતું નિવેદન બહાર પાડ્યું. ઇઝરાયલે ગાઝામાં યુદ્ધવિરામ માટે સંમતિ આપી છે, પરંતુ તાજેતરના મહિનાઓમાં તેણે પશ્ચિમ કાંઠાના પેલેસ્ટિનિયન પ્રદેશ પર તેનું નિયંત્રણ વધાર્યું છે.

  • Follow us on: