ભારતીય સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે. દેશમાં જ વિકસાવવામાં આવેલા 'ખગાંતક-243' (Khagantak-243) લોંગ-રેન્જ ગ્લાઈડ બોમ્બનું પ્રથમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરીક્ષણ દરમિયાન ગ્લાઈડ બોમ્બે રણ વિસ્તારમાં નિર્ધારિત લક્ષ્યને ચોક્કસ રીતે ભેદ્યું હતું અને જોરદાર વિસ્ફોટ થયો હતો.
ગ્લાઈડ બોમ્બનું વજન આશરે 300 કિલો
આ ગ્લાઈડ બોમ્બનું વજન આશરે 300 કિલોગ્રામ છે. તેમાં 125 કિલોગ્રામનું Mk-81 વોરહેડ લગાવવામાં આવ્યું છે. તેને સ્ટેન્ડ-ઓફ પ્રિસિઝન વેપન તરીકે વિકસાવવામાં આવ્યું છે. વધુ ઊંચાઈ પરથી લોન્ચ કરવામાં આવે તો આ બોમ્બ 140 કિલોમીટરથી વધુ અંતર કાપી શકે છે. ખગાંતક-243ને INS અને GNSS આધારિત નેવિગેશન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે. આ ટેક્નોલોજી તેને લક્ષ્ય સુધી ચોકસાઈપૂર્વક પહોંચવામાં મદદ કરે છે. દાવો કરવામાં આવે છે કે તે 10 મીટરથી ઓછા અંતરની ચોકસાઈ સાથે નિર્ધારિત લક્ષ્યને નિશાન બનાવી શકે છે.
વાયુસેનાની સ્ટેન્ડ-ઓફ સ્ટ્રાઈક ક્ષમતામાં વધારો
આ ગ્લાઈડ બોમ્બનું પરીક્ષણ ભારતીય વાયુસેનાના શક્તિશાળી Su-30MKI ફાઈટર જેટ પરથી કરવામાં આવ્યું હતું. આ હથિયાર ભારતીય વાયુસેનાની સ્ટેન્ડ-ઓફ સ્ટ્રાઈક ક્ષમતામાં વધારો કરી શકે છે. તેનો સૌથી મોટો વ્યૂહાત્મક ફાયદો એ છે કે ફાઈટર જેટને દુશ્મનના એર ડિફેન્સ ઝોનની ખૂબ નજીક ગયા વિના સુરક્ષિત અંતરેથી લક્ષ્ય પર હુમલો કરવાની ક્ષમતા મળી શકે છે.
ખગાંતક-243ને નાગપુર સ્થિત JSR Dynamics દ્વારા ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે. સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર થયેલા આ હથિયારનું સફળ પરીક્ષણ 'આત્મનિર્ભર ભારત' અભિયાન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ સિદ્ધિથી ભારતીય વાયુસેનાની લાંબા અંતરની ચોકસાઈભરી હુમલાની ક્ષમતામાં વધારો થવાની શક્યતા છે. સાથે જ દેશમાં સ્વદેશી રીતે આધુનિક હથિયારો વિકસાવવાની ક્ષમતાને પણ પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચો : PM મોદીની ભાજપ શાસિત રાજ્યોના જળમંત્રીઓ સાથે બેઠક, કહ્યું 'યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડો'