ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવતી કંપની મેટાને કેન્દ્ર સરકારે હવે માત્ર કન્ટેન્ટ દૂર કરવા કે તેના પર નજર રાખવા અંગે જ નહીં, પરંતુ તેની પાછળ કામ કરતા અલ્ગોરિધમ અંગે પણ સવાલો કર્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY)એ મેટાને સ્પષ્ટ કહ્યું છે કે તેના પ્લેટફોર્મ પર વપરાશકર્તાઓને એક જ પ્રકારના વિચાર, એકતરફી માહિતી કે ભ્રામક સામગ્રી વારંવાર ન દેખાવી જોઈએ.

સરકારે ચેતવણી આપી છે કે જો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર ભલામણ કરતી પ્રણાલીઓ (Algorithm) કોઈ ચોક્કસ પ્રકારની સામગ્રીને જરૂર કરતાં વધુ પ્રસારિત કરે, તો તેનાથી લોકોમાં ગેરસમજ, ડર અને જાહેર વ્યવસ્થા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

મંત્રાલયે સલાહમાં શું કહ્યું?

સરકારે ચિંતા વ્યક્ત કરી છે કે જાહેર ઘટનાઓ, કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલા બનાવો અથવા સંવેદનશીલ પરિસ્થિતિઓના વીડિયો, તસવીરો અને ગ્રાફિક્સ ઘણી વખત પૂરતી માહિતી વિના મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચે છે. જો અલ્ગોરિધમ આવી સામગ્રીને વારંવાર આગળ ધપાવે, તો જે લોકો સતત સોશિયલ મીડિયા જુએ છે તેમના સુધી તે સામગ્રી વધુ વખત પહોચશે, જેનાથી લોકોમાં ગેરસમજ અને ભય ફેલાઈ શકે છે.

સલાહમાં કહેવામાં આવ્યું છે કે જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થા સાથે જોડાયેલી ઘટનાઓ દરમિયાન વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. મંત્રાલયે ખાસ કરીને જૂની તસવીરો અને વીડિયોને નવી ઘટના સાથે જોડીને રજૂ કરવા, ફેરફાર કરેલા દૃશ્યો, કટોકટી દરમિયાન લાદવામાં આવેલા પ્રતિબંધો અથવા પોલીસની કાર્યવાહી અંગેના અપુષ્ટ દાવા અને પૂરતી માહિતી વિનાની ઑડિયો-વીડિયો સામગ્રી અંગે ચિંતા વ્યક્ત કરી છે.

સરકારનું માનવું છે કે આવી સામગ્રી ઝડપથી ફેલાય તો તેની અસર વાસ્તવિક જીવનમાં પણ જોવા મળી શકે છે.

https://x.com/pandeyambarish/status/2112088414073827642?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2112088414073827642%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

નવી વ્યવસ્થા વિકસાવવા મંત્રાલયની સૂચના

MeitYએ મેટાને એવી મજબૂત વ્યવસ્થા વિકસાવવા પણ કહ્યું છે, જે અલ્ગોરિધમ દ્વારા અસામાન્ય રીતે વધુ લોકો સુધી પહોંચાડવામાં આવતી પોસ્ટ અને સામગ્રીને ઓળખી શકે.

મંત્રાલય ઇચ્છે છે કે આવી સામગ્રીની સમયસર સમીક્ષા કરવામાં આવે અને જરૂર પડે ત્યારે તેને ઉચ્ચ સ્તરે તપાસ માટે મોકલવામાં આવે. ખાસ કરીને એવી સ્થિતિમાં આ પગલું જરૂરી છે, જ્યારે તેનાથી મોટા પાયે ગેરસમજ, હિંસા અથવા જાહેર શાંતિ ભંગ થવાનો ભય હોય.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી અંગે ચાલી રહેલી મોટી ચર્ચા વચ્ચે આ સલાહ આપવામાં આવી છે. હવે ચર્ચા માત્ર એટલી રહી નથી કે પ્લેટફોર્મ પર કઈ સામગ્રી મૂકવામાં આવે છે, પરંતુ એ પણ છે કે કઈ સામગ્રી લાખો લોકો સુધી પહોંચાડવામાં આવે છે અને તેની પાછળ શું કારણ છે.

ભ્રામક સામગ્રીને વધુ પ્રસારિત ન કરવા સૂચના

માહિતી પ્રૌદ્યોગિકી કાયદો, 2000 અને આઇટી નિયમો, 2021 હેઠળ આપવામાં આવેલી આ સલાહમાં મેટાને ખાતરી કરવા કહેવામાં આવ્યું છે કે ભ્રામક, ફેરફાર કરેલી અથવા મૂળ સંદર્ભથી અલગ કરીને રજૂ કરવામાં આવેલી સામગ્રીને જરૂર કરતાં વધુ પ્રસારિત કરવામાં ન આવે.

આ ઉપરાંત, જાહેર ઘટનાઓ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયોની સાથે પૂરતી માહિતી આપવાનું પણ કહેવામાં આવ્યું છે, જેથી વપરાશકર્તાઓ તે સામગ્રી કઈ તારીખની છે, ક્યાંની છે અને કઈ પરિસ્થિતિમાં લેવામાં આવી હતી તે વધુ સારી રીતે સમજી શકે.

જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેનો હેતુ કાયદેસર અભિવ્યક્તિ અથવા જાહેર ચર્ચાને રોકવાનો નથી. મંત્રાલયે મેટાને પોતાની હાલની સુરક્ષા અને સામગ્રી પર દેખરેખ રાખવાની વ્યવસ્થાને વધુ મજબૂત કરવા કહ્યું છે. પરંતુ આ પ્રક્રિયામાં કાયદેસર સંવાદ અને લોકશાહી ચર્ચા પર બિનજરૂરી નિયંત્રણો ન આવે તેનું પણ ધ્યાન રાખવા જણાવ્યું છે.

સલાહમાં જણાવાયું છે કે આ પગલાંનો હેતુ જવાબદારીપૂર્વક માહિતીનો પ્રસાર વધારવાનો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન જાળવવાનો છે.

MeitYએ મેટાને તાત્કાલિક અસરથી જરૂરી પગલાં લેવા અને મંત્રાલયને તેના પાલન અંગેની માહિતી આપવા સૂચના આપી છે. જોકે, આ સલાહમાં કોઈ ચોક્કસ પોસ્ટ, ઘટના કે સામગ્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મેટા પોતાની અલ્ગોરિધમ આધારિત પ્રણાલીમાં કયા ફેરફારો કરશે તે અંગે પણ કોઈ માહિતી આપવામાં આવી નથી.