દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ સંબંધિત અરજીઓની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પરાળી સળગાવવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કડક પગલાં લેવા જરૂરી છે.સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે જો કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવામાં આવે છે.તો તે અન્ય ખેડૂતોને સ્પષ્ટ સંદેશ આપશે કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
જેલમાં નાંખો સીધા થઈ જશે :સુપ્રીમ કોર્ટ
વરિષ્ઠ વકીલ રાહુલ મહેરાએ ધ્યાન દોર્યું હતું કે ભૂતકાળમાં ઘણા ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમાંથી મોટાભાગના નાના ખેડૂતો હતા. કેટલાક ખૂબ ઓછી જમીન ધરાવતા હતા, અને જો તેમને જેલમાં મોકલવામાં આવે તો તેમના પરિવારોનું શું થશે? સીજેઆઈએ જવાબ આપ્યો હતો કે કોર્ટ નિયમિત ધરપકડ વિશે વાત કરી રહી નથી, પરંતુ ફક્ત એક મજબૂત સંદેશ આપવા માંગે છે કે પરાળી બાળવાની ઘટનાઓ ઘટશે અને જે લોકો આવું કરે છે તેઓને જેલનો ડર રહેશે. તેમણે ઉમેર્યું હતું કે જો પર્યાવરણનું રક્ષણ કરવું આપણી પ્રાથમિકતા છે, તો દંડાત્મક કાર્યવાહીથી શા માટે દૂર રહેવું?
પરાળીમાંથી બળતણ બનાવવાની શકાય
સુનાવણી દરમિયાન, સીજેઆઈએ એમ પણ કહ્યું હતું કે પરાળીનો ઉપયોગ બાયોફ્યુઅલ તરીકે થઈ શકે છે. અખબારના અહેવાલોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ માટે લાંબી પ્રક્રિયાની જરૂર નથી. ખેડૂતોનું સન્માન કરવું જરૂરી છે કારણ કે તેમની મહેનત રાષ્ટ્રનું પોષણ કરે છે, પરંતુ પર્યાવરણનું રક્ષણ કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.એમિકસ ક્યુરી અપરાજિતા સિંહે કોર્ટને માહિતી આપી કે કેન્દ્ર સરકારે ખેડૂતોને સાધનો અને સબસિડી પૂરી પાડી છે. કોર્પોરેટ્સને 80 ટકા સુધી અને વ્યક્તિગત ખેડૂતોને 50 ટકા સુધી સબસિડી આપવામાં આવી છે, છતાં પરાળી બાળવાની સમસ્યા યથાવત છે.
સુપ્રીમ કોર્ટની ચેતવણી
CJIએ જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં નિર્ણય લેવામાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટ પોતાનો આદેશ જારી કરશે. ASG ભાટીએ કોર્ટને સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યા પછી આવતા અઠવાડિયે આ મામલાની સુનાવણી કરવાની વિનંતી કરી. કોર્ટે સંમતિ આપી. સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું કે 2018 થી ઘણા આદેશો જારી કરવામાં આવ્યા છે, પરંતુ સમસ્યા એ જ છે.