બ્રજની પાવન ભૂમિ બરસાના (ઉત્તર પ્રદેશ) ખાતે ચાલી રહેલી પૂજ્ય મોરારી બાપુની માનસ ગૌ સૂક્ત રામકથામાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ખાસ હાજરી આપી હતી. પૂજ્ય બાપુએ બિરલાનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું. રાધા રાણીની આ ભૂમિને પ્રણામ કરતાં ઓમ બિરલાએ સંબોધનમાં કહ્યું કે આ માત્ર બ્રજની ભૂમિ જ નહીં, પરંતુ ગૌ સેવાની વિશિષ્ટ ભૂમિ છે. તેમણે જણાવ્યું કે, મોરારી બાપુ દ્વારા કહેવાતી રામકથાનું સૌભાગ્ય આખા દેશને પ્રાપ્ત થયું છે, જેનાથી ભગવાન રામનું જીવન અને તેમના દર્શનનો સંદેશ ગામડે-ગામડે અને શહેર-શહેર સુધી પહોંચી રહ્યો છે.
"બાપુના મુખે રામકથાથી આખો દેશ રામમય"
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે તેમને પણ બાપુના દર્શન અને તેમની અમૃતમય વાણીમાં રામકથાનું શ્રવણ કરવાનો વિશેષ અવસર મળ્યો છે. તેમણે ભાવપૂર્વક કહ્યું, "જ્યારે પરમ પૂજ્ય મોરારી બાપુ પોતાના મુખેથી રામકથા કહે છે, ત્યારે ફક્ત આ ભૂમિ જ નહીં, પરંતુ આખો દેશ રામમય બની જાય છે." તેમણે ભગવાન રામના આદર્શોને પ્રેરણાસ્ત્રોત ગણાવતાં કહ્યું કે રામનું જીવન સત્ય પર ચાલવાની, કરુણાનો ભાવ રાખવાની અને સંપૂર્ણ જીવનને સમાજ તથા લોકકલ્યાણ માટે સમર્પિત કરવાની પ્રેરણા આપે છે. બિરલાએ ભારપૂર્વક કહ્યું કે માનવ જીવન ફક્ત પોતાના માટે નહીં, પરંતુ અન્યોની સેવા અને ઉત્થાન માટે છે.













