રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ સમગ્ર દેશવાસીઓને આઝાદીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે પોતાના સંબોધનમાં આઝાદી સમયે દેશ સામે રહેલા પડકારો અને સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા જણાવ્યું કે, આઝાદી વખતે દેશનું એકીકરણ એક મોટો પડકાર હતો અને સરદાર પટેલ આ અખંડ એકતાના સાચા શિલ્પી હતા. આજે ભારત એક આધુનિક રાષ્ટ્ર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં દેશના વિદ્યાર્થીઓ અને યુવાનો ભારતનું ઉજ્જવળ ભવિષ્ય કંડારી રહ્યા છે.

'ઓપરેશન સિંદૂર' અને ત્રાસવાદ સામે કડક વલણ

સેનાના અદમ્ય સાહસની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ 'ઓપરેશન સિંદૂર'નો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ ઓપરેશને આતંકવાદી નેટવર્ક પર સચોટ પ્રહાર કરવાની ભારતીય આર્મીની ક્ષમતા સાબિત કરી દીધી છે. આતંકવાદને આશ્રય આપતા દેશ સામે રાષ્ટ્રીય હિતમાં 'સિંધુ જળ સંધિ'ને મોકૂફ રાખવાનો નિર્ણય ખાસ કરીને ભારતીય ખેડૂતો માટે એક નિર્ણાયક અને મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ચીમકી આપી હતી કે, આતંકવાદીઓ અને તેમના સમર્થકો ગમે ત્યાં છુપાયેલા હશે તેમણે પરિણામ ભોગવવું જ પડશે.

ડિજિટલ ભારત, આર્થિક મજબૂતી અને ગરીબી મુક્તિ

દેશની આર્થિક અને સામાજિક ક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ પ્રગતિ અંગે વાત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારતનો વિકાસ દર વૈશ્વિક સરેરાશ કરતા બમણાથી વધુ રહેવાનો અંદાજ છે. આજે વિશ્વના કુલ રિયલ-ટાઇમ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાંથી અડધાથી વધુ એકલા ભારતમાં થાય છે. છેલ્લા દાયકામાં સમાવેશી વિકાસના કારણે 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને ફ્રી રાશન યોજના દ્વારા 80 કરોડથી વધુ લોકોને ખાદ્ય સુરક્ષા મળી રહી છે. આ ઉપરાંત તેમણે દેશને નક્સલમુક્ત બનાવવાની દિશામાં મળેલી સફળતાને પણ મોટી રાષ્ટ્રીય ઉપલબ્ધિ ગણાવી હતી.

આ પણ વાંચો : CJP: જંતર મંતર આંદોલન બાદ શાળાઓ પર દિપકેનું ફોકસ... હવે કરશે આ અભિયાન