ભારતીય જનતા પાર્ટી (ભાજપ), જે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઓળખાય છે, તે હાલમાં તેના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં થઈ રહેલા વિલંબને કારણે વિપક્ષી પક્ષોના નિશાના પર આવી છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, "ભાજપ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી હજુ સુધી કરી શકી નથી. આ વાત સાચી છે. અધ્યક્ષ માટેના નામ પર પાર્ટી એકમત થઈ શકી નથી. આ પાર્ટી દેશ ચલાવી રહી છે અને પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરી શકતી નથી." આ નિવેદનથી રાજકીય વાતાવરણ ગરમાયું છે, અને વિપક્ષે આ મુદ્દાને ભાજપની આંતરિક નબળાઈ તરીકે રજૂ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
તમે કોઈને પણ બદલી શકો છો : સંજય રાઉતનો ભાજપ પર કટાક્ષ
સંજય રાઉતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘આ શું મામલો છે, તે મામલે કોઈને ખબર નથી. તમે ચૂંટણી કમિશનરને બદલી શકો છો, તમે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને બદલી શકો છો, તમે કોઈને પણ બદલી શકો છો. તમે દેશના ઉપરાષ્ટ્રપતિને ઘરે મોકલી શકો છો, પરંતુ તમારી પાર્ટી પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકતી નથી. આ મુદ્દો શું છે, તે દેશને ખબર હોવી જોઈએ. તમે ધનખર સાહેબને જેમ મોકલ્યા તેમ, તમે કાલે રાષ્ટ્રપતિને પણ ઘરે મોકલી દેશો.













