શુક્રવારે સાંજે સોશિયલ મીડિયા ક્ષેત્રની દિગ્ગજ કંપની Metaના મુખ્ય પ્લેટફોર્મ્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ ગયા હતા. આના કારણે ભારત સહિત વિશ્વભરના કરોડો યુઝર્સે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે સાંજે આશરે 7 વાગ્યાને 25 મિનિટે શરૂ થયેલી આ સમસ્યા (આઉટેજ) જોતજોતામાં વૈશ્વિક સ્તરે ફેલાઈ ગઈ હતી, જેના લીધે યુઝર્સ પોતાના એકાઉન્ટમાંથી ઓટોમેટિક લોગ-આઉટ થઈ ગયા હતા. જો કે થોડીવાર બાદ ફરી સર્વર શરૂ થઈ ગયું હતું

https://twitter.com/iYogeshGrover/status/2065436326007370181



સેશન એક્સપાયર્ડ લખેલી ખામી જોવા મળી

અચાનક લોગ આઉટ થયા બાદ યુઝર્સ જ્યારે ફરીવાર લોગઈન થવાનો પ્રયાસ કરી રહ્યા હતાં ત્યારે તેમને સેશન એક્સપાયર્ડ અથવા તો પેજ નોટ ફાઉન્ડ જેવી ટેકનિકલ એરર જોવા મળી હતી. અચાનક આવેલી આ ટેકનિકલ ખામીને કારણે હેરાન થયેલા યુઝર્સે પોતાની ફરિયાદ કરવા માટે એક્સનો સહારો લીધો હતો. યુઝર્સે એક્સ પર પ્રતિક્રિયાઓ આપી હતી. કેટલાક યુઝર્સ અન્ય પ્લેટફોર્મ તરફ પણ વળ્યા હતાં. સર્વર થોડીવાર બાદ શરૂ થઈ જતાં યુઝર્સે રાહતનો શ્વાસ લીધો હતો

#FacebookDown અને #InstagramDown ટ્રેન્ડ શરૂ થયો

સર્વર ડાઉનની તકલીફ વધતાં જ એક્સ પર #FacebookDown અને #InstagramDown ટ્રેન્ડ શરૂ થયો હતો. જ્યાં વિશ્વના લોકો મીમ્સ અને સ્ક્રીન શોટ શેયર કરી પોતાની પ્રતિક્રિયાઓ આપવા માંડ્યા હતાં. આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ ડાઉનડિરેક્ટર પર પણ કેટલીક વારમાં જ લાખો યુઝર્સે આ ટેકનિકલ ખામીનો રીપોર્ટ કર્યો હતો. શરૂઆતમાં તેને સર્વરમાં આવેલી કોઈ ખામી માનવામાં આવતી હતી. પરંતુ મેટા તરફથી એક વૈશ્વિક ડાઉનટાઈમ અને તેની પાછળ રહેલા મુખ્ય કારણને લઈને હજી સુધી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.