રાજસ્થાનના જયપુર સ્થિત કોટપુતલીના રહેવાસી અમિત સેહરા નું જીવન એક પળમાં બદલાઈ ગયું છે, જેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે શાકભાજીનો ઠેલો લગાવતા હતા. નસીબ તેમને પંજાબ ખેંચી ગયું, જ્યાં તેમણે બઠિંડાની એક દુકાનમાંથી લોટરીની ટિકિટ ખરીદી. આ ટિકિટ ખરીદવા માટે પણ તેમની પાસે પૂરતા પૈસા ન હોવાથી તેમણે પોતાના એક મિત્ર પાસેથી ઉધાર લેવો પડ્યો હતો. 31 ઓક્ટોબરના રોજ જ્યારે પંજાબ સ્ટેટ લોટરી-દિવાળી બમ્પર 2025નું પરિણામ જાહેર થયું, ત્યારે અમિત સેહરાએ રૂપિયા 11 કરોડનો ટોચનો જેકપોટ જીતીને બધાને ચોંકાવી દીધા હતા.
ઈનામ લેવા જવાના પણ પૈસા નહોતા
લોટરી જીત્યા બાદ ચંદીગઢ ખાતે ઔપચારિકતાઓ પૂરી કરવા આવેલા અમિત સેહરાએ આંખોમાં આંસુ સાથે પોતાની સંઘર્ષમય કહાણી જણાવી હતી. તેમણે કહ્યું કે, આટલી મોટી રકમનું ઇનામ જીત્યા બાદ પણ તેમની આર્થિક સ્થિતિ એવી હતી કે, લોટરીની રકમ લેવા માટે ચંદીગઢ આવવા સુધીના પૈસા તેમની પાસે નહોતા અને આ રકમ લેવા માટે પણ તેમણે ઉધાર લેવો પડ્યો હતો. સેહરાએ આ જીતને 'ભગવાનના આશીર્વાદ' ગણાવતા કહ્યું કે, ભગવાને તેમને 'છપ્પર ફાડ કે' (અચાનક અને મોટી રકમ) આપી છે અને હવે તેમની તમામ આર્થિક મુશ્કેલીઓનો અંત આવી જશે.













