ભારતીય સેનાની હવાઈ સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં અંદાજે ₹30,000 કરોડના સ્વદેશી 'અનંત શસ્ત્ર' ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઇલ (QRSAM) સિસ્ટમના ઉત્પાદન કરારને અંતિમ મંજૂરી આપી શકે છે. આ યોજના 'મેક ઈન ઈન્ડિયા' અને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતના લક્ષ્યને વધુ વેગ આપનારી માનવામાં આવી રહી છે.

શું છે તેનો મુખ્યો હેતુ?

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલી આ અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમના તમામ જરૂરી પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે તેને ભારતીય સેનામાં સામેલ કરવાની તૈયારી ચાલી રહી છે. 'અનંત શસ્ત્ર'નો મુખ્ય હેતુ સેનામાં હાલ ઉપયોગમાં લેવાતી જૂની OSA-AK એર ડિફેન્સ સિસ્ટમનું સ્થાન લેવાનો છે.

BEL મુખ્ય કામગીરી કરશે

આ મિસાઈલ સિસ્ટમ ડ્રોન, હેલિકોપ્ટર, લડાકુ વિમાન, ક્રૂઝ મિસાઇલ તેમજ ઓછી ઊંચાઈએ ઉડતા અન્ય હવાઈ ખતરાઓને ઝડપથી ઓળખી તેમનો અસરકારક નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. 8×8 હાઈ-મોબિલિટી વાહન પર આધારિત આ સિસ્ટમને યુદ્ધક્ષેત્રમાં ઝડપથી તૈનાત કરી શકાય છે. તેમાં આધુનિક રડાર, ફાયર કન્ટ્રોલ સિસ્ટમ, ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર તેમજ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર જેવી અદ્યતન ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ હેઠળ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) મુખ્ય ઉત્પાદન એજન્સી તરીકે કામગીરી કરશે, જ્યારે ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) મિસાઇલોનું ઉત્પાદન કરશે. લાર્સન એન્ડ ટુબ્રો (L&T) મોબાઈલ લોન્ચર વાહનો તૈયાર કરશે. સમગ્ર સિસ્ટમ સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત છે.

ભારતીય સેનાની હવાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે

ભારતીય વાયુસેનાએ પણ આ સિસ્ટમમાં રસ દર્શાવ્યો છે. ભવિષ્યમાં તેને દિલ્હી-એનસીઆરની બહુસ્તરીય હવાઈ સુરક્ષા વ્યવસ્થામાં S-400 સહિત અન્ય એર ડિફેન્સ સિસ્ટમ સાથે સામેલ કરવામાં આવી શકે છે. 'અનંત શસ્ત્ર'ના સમાવેશથી ભારતીય સેનાની હવાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે અને પાકિસ્તાન તેમજ ચીન તરફથી ઉભા થઈ શકે એવા સંભવિત હવાઈ જોખમોનો વધુ અસરકારક રીતે સામનો કરી શકાશે.

આ પણ વાંચો : India-Pakistan વચ્ચે તણાવ ખતમ કરો, એરસ્પેસ ખોલો... 100થી વધુ દિગ્ગજોએ PM મોદી અને શહબાઝ શરીફને લખ્યો પત્ર