બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વાપસી અંગે ભારતે બે શરતો મૂકી છે. મીડિયા અહેવાલો અનુસાર, ભારત ઈચ્છે છે કે બાંગ્લાદેશી સેના તેમની વાપસીમાં મદદ કરે અને ખાતરી આપે કે તેમને ન્યાયી સુનાવણી (ફેર ટ્રાયલ) મળે. આ શરતો બાંગ્લાદેશ સરકારને જણાવવામાં આવી છે, જેનું નેતૃત્વ હાલમાં BNP (બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી) કરી રહી છે. જોકે, આ શરતોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. એક મીડિયાના અહેવાલ મુજબ, ભારત હસીનાની વાપસીને લઈને બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને ઉકેલવાનો માર્ગ શોધી રહ્યું છે. શુક્રવારે, ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પ્રત્યાર્પણ (extradition) એ કાયદાકીય બાબત છે અને તેને કાયદા અનુસાર જ હાથ ધરવામાં આવશે.
ભારતની પ્રથમ શરત શું છે?
ભારત ઈચ્છે છે કે શેખ હસીનાને પાછા લઈ જવાની જવાબદારી બાંગ્લાદેશી સેના લે. આ માટે બાંગ્લાદેશી સેનાએ દિલ્હીમાં એક લશ્કરી વિમાન મોકલવું પડશે, જે હસીનાને ઢાકા લઈ જશે. વૈકલ્પિક રીતે, સેના ભારત-બાંગ્લાદેશ સરહદ પર કોઈ નિર્ધારિત સ્થળે તેમનો કબજો લઈ શકે છે. ઓગસ્ટ 2024માં સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા હતા. તેઓ લશ્કરી વિમાન દ્વારા જ ભારત પહોંચ્યા હતા.
બીજી શરત: ન્યાયી સુનાવણી
ભારતની બીજી શરત હસીનાના કાયદાકીય રક્ષણ સાથે સંબંધિત છે. ભારત ઈચ્છે છે કે બાંગ્લાદેશ સરકાર ખાતરી આપે કે તેમને કોઈપણ સંભવિત મૃત્યુદંડની સજા સામે અપીલ કરવાનો અધિકાર મળે. વધુમાં, ભારત ઈચ્છે છે કે જુલાઈ 2024માં પ્રદર્શનકારીઓના મૃત્યુ સાથે સંકળાયેલા કેસોમાં ફરીથી સુનાવણી (retrial) થાય. ભારતનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે હસીનાને કાયદાકીય માળખામાં રહીને પોતાનો પક્ષ રજૂ કરવાની સંપૂર્ણ તક મળે. નવેમ્બર 2025માં બાંગ્લાદેશની એક અદાલતે હસીનાને તેમની ગેરહાજરીમાં (in absentia) મૃત્યુદંડની સજા સંભળાવી હતી. વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીના સંબંધમાં તેમના પર ગંભીર આરોપો છે.
હસીના ડિસેમ્બરમાં પાછા ફરવા ઈચ્છે છે
હસીનાએ ડિસેમ્બર 2026 માં બાંગ્લાદેશ પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે દિલ્હીમાં બાંગ્લાદેશી દૂતાવાસ પાસે પોતાનો પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ કાર્ડ (NID) પાછા આપવાની વિનંતી કરી છે. જોકે, બાંગ્લાદેશ સરકારે આ દસ્તાવેજો આપવાનો ઇનકાર કરી દીધો છે. BNPના સંયુક્ત મહાસચિવ અને સાંસદ ખૈરુલ કબીર ખોકોને જણાવ્યું કે, પાસપોર્ટની માંગણી કરીને હસીના દેશમાં અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે હસીના સામે માનવતા વિરુદ્ધના ગુનાઓ, અપહરણ અને હત્યા સહિતના ગંભીર આરોપો છે. તેમના મતે બાંગ્લાદેશના રાજકારણમાં હસીનાની વાપસીની હવે કોઈ શક્યતા નથી.
આ પણ વાંચો: Iran માં ફસાયેલા ભારતીય નાવિકની થશે જલદી જ વાપસી, MEA જારી કર્યું 'ઈમરજન્સી સર્ટિફિકેટ'