ભારતે 'ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન' (OIC) દ્વારા તેની બેઠકમાં પસાર કરાયેલા ઠરાવોમાં ભારત વિરોધી ઉલ્લેખો હોવા બદલ તેની આકરી ટીકા કરી છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું છે કે, 17-18 ઓક્ટોબર, 2026ના રોજ બગદાદમાં યોજાયેલી OICના વિદેશ મંત્રીઓની પરિષદમાં અપનાવવામાં આવેલા ઠરાવોમાં સામેલ ભારત વિરોધી ઉલ્લેખોને ભારત સ્પષ્ટપણે નકારે છે. ભારતે નિરાશા વ્યક્ત કરી છે કે OICએ ફરી એકવાર પાકિસ્તાનના કટ્ટરપંથી એજન્ડાને આગળ વધારવા માટે પોતાનો દુરુપયોગ થવા દીધો છે.
વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે કે "ભારત સંબંધિત આ ઉલ્લેખો ખરાબ, પક્ષપાતી અને ખોટા છે. આ બધું પાકિસ્તાન દ્વારા રચવામાં આવ્યું છે. જેમ આપણે અનેક પ્રસંગોએ પુનરોચ્ચાર કર્યો છે તેમ, ભારતની સંપૂર્ણપણે આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો OICને કોઈ અધિકાર નથી. જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે, અને રાજકીય પ્રેરિત પ્રચાર આ વાસ્તવિકતાને બદલી શકતો નથી."
જમ્મુ કાશ્મીરની સ્થિતિની PoJK સાથે તુલના
સોમવારે (૧૯ ઓક્ટોબર, ૨૦૨૬) વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સત્તાવાર નિવેદન જારી કરતા જણાવ્યું કે, "કલમ 370 નાબૂદ થયા પછી, છેલ્લાં કેટલાંક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં નોંધપાત્ર આર્થિક વિકાસ જોવા મળ્યો છે. વધુમાં, સ્થાનિક વસ્તીને માળખાકીય સુવિધાઓ, પ્રવાસન અને કનેક્ટિવિટીમાં થયેલી પ્રગતિનો સીધો લાભ મળ્યો છે."
https://x.com/MEAIndia/status/2112115213898314051?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2112115213898314051%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
તેમણે ઉમેર્યું, "આ સ્થિતિ પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) ની પરિસ્થિતિથી તદ્દન વિપરીત છે, જ્યાં પાકિસ્તાને ત્યાંની વસ્તીને હિંસા, દમન અને ક્રૂરતાનો ભોગ બનાવી છે. જેમાં મહિલાઓ અને બાળકો સહિત સેંકડો લોકોની હત્યાનો પણ સમાવેશ થાય છે. માનવ અધિકારોના આવા ગંભીર ઉલ્લંઘનોને મીડિયા પર પ્રતિબંધો લાદીને છુપાવી શકાતા નથી."
જમ્મુ અને કાશ્મીર અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા બે મુખ્ય મુદ્દા બાકી છે?
રણધીર જયસ્વાલે જણાવ્યું, "જમ્મુ અને કાશ્મીર અંગે માત્ર બે મુદ્દા ઉકેલવાના બાકી છે: પ્રથમ, પાકિસ્તાને ગેરકાયદેસર રીતે અને બળજબરીથી કબજે કરેલા પ્રદેશો ખાલી કરવા જોઈએ; અને બીજું, તેણે સરહદ પારના આતંકવાદને આપવાનું ચાલુ રાખેલું સમર્થન બંધ કરવું જોઈએ." તેમણે ઉમેર્યું OIC ના ઠરાવોમાં ભારત વિરુદ્ધ અન્ય બનાવટી અને પ્રતિકૂળ દાવાઓનો સમાવેશ જેમાં 'ઈસ્લામોફોબિયા' સંબંધિત આરોપોનો સમાવેશ થાય છે. એ પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય ધ્યાન તેના પોતાના નિરાશાજનક ટ્રેક રેકોર્ડ પરથી હટાવવાનો એક ભયાવહ પ્રયાસ છે, જેમાં લઘુમતીઓ પર અત્યાચાર, સાંપ્રદાયિક હિંસા, શાસન નિષ્ફળતાઓ અને રાજકીય અસ્થિરતાનો સમાવેશ થાય છે."
તેમણે વધુમાં ટિપ્પણી કરી, "પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા દુર્ભાવનાપૂર્ણ પ્રચાર અને કથાઓનું OIC દ્વારા વારંવાર સમર્થન સંસ્થાની વિશ્વસનીયતા અને અખંડિતતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. અમને આશા છે કે તેના સભ્ય દેશો સંગઠનમાં સુધારા માટે રચનાત્મક પગલાં લેશે.
આ પણ વાંચો: Zepto માંથી ઓર્ડર કરનારા ચેતીજજો.... ખરાબ ચણાનો લોટ ડિલિવરી કર્યો, હવે FSSAI ફટકારી નોટિસ