ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એકવાર પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. સખત વાંધો વ્યક્ત કરતા ભારતે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાન ભારતનાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અંગે જૂઠાણાં અને ગેરમાર્ગે દોરનારા દાવાઓ ફેલાવવા માટે સતત આ વૈશ્વિક સંસ્થાના મંચનો દુરુપયોગ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ચોથી સમિતિમાં 'વસાહતવાદની સમાપ્તિ' (Decolonization) અંગેની ચર્ચા દરમિયાન પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા નિવેદનના જવાબમાં ભારતે તેના 'જવાબ આપવાના અધિકાર' (Right of Reply) નો ઉપયોગ કર્યો હતો. આ સમિતિ વિશેષ રાજકીય મુદ્દાઓ અને વસાહતવાદની સમાપ્તિ સંબંધિત બાબતોનું કામકાજ સંભાળે છે.


ભારત વતી જવાબ આપતા સાંસદ મહિમા કુમારી મેવાડે કહ્યું, "પાકિસ્તાનનો લશ્કરી સરમુખત્યારશાહી, ધાંધલીવાળી ચૂંટણીઓ, લોકપ્રિય ચૂંટાયેલા નેતાઓની ધરપકડ, ધાર્મિક કટ્ટરવાદ અને રાજ્યની નીતિ તરીકે આતંકવાદને પ્રોત્સાહન આપવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે." તેમણે ઉમેર્યું કે આવા દેશે ભવિષ્યમાં આ મંચ પર અન્ય લોકોને ઉપદેશ આપવાનું ટાળવું જોઈએ. "જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે અને હંમેશા રહેશે."


સાંસદ મહિમા કુમારી મેવાડ 

પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના પ્રદેશોમાં માનવ અધિકારોના ગંભીર ઉલ્લંઘનને તાત્કાલિક અટકાવવાની હાકલ કરતા ભારતે જણાવ્યું હતું કે, આ વિસ્તારોની વસ્તી પાકિસ્તાની સેનાના કબજા, દમન, ક્રૂરતા અને સંસાધનોના ગેરકાયદેસર શોષણ સામે ખુલ્લેઆમ બળવો કરી રહી છે.


મેવાડે જણાવ્યું હતું કે તાજેતરના મહિનાઓમાં, પાકિસ્તાની સશસ્ત્ર દળો અને તેમના પ્રોક્સી સંગઠનોએ એવા ઘણા નિર્દોષ નાગરિકોના જીવ લીધા છે જેઓ તેમના મૂળભૂત અધિકારો, સ્વતંત્રતાઓ અને આવશ્યક સુવિધાઓ માટે આંદોલન કરી રહ્યા હતા. મેવાડ 15 સભ્યોના સંસદીય પ્રતિનિધિમંડળનો ભાગ છે, જે સંયુક્ત રાષ્ટ્રની કામગીરીને સમજવાના ઉદ્દેશ્ય સાથે આ અઠવાડિયાની શરૂઆતમાં અહીં મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન, સાંસદોએ સંયુક્ત રાષ્ટ્રમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. તેઓએ ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા આયોજિત એક વિશેષ સ્વાગત સમારોહમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી.


આ પણ વાંચો: Protest: બેરિકેડ તોડશો નહીં... એમ્બ્યુલન્સને રસ્તો આપજો, પ્રદર્શનકારીઓ માટે CJPએ જાહેર કરી એડવાઈઝરી