સંયુક્ત રાષ્ટ્રના એક વિશેષ પ્રતિનિધિએ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની 'ડી-કંપની' (D-Company) ને 'ભારત-આધારિત ગુનાહિત જૂથ' તરીકે વર્ણવી હતી. ભારતે આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢતા સંયુક્ત રાષ્ટ્રની આકરી ટીકા કરી છે. અહેવાલમાં રહેલી ગંભીર ભૂલો તરફ ધ્યાન દોરતા ભારતે ચેતવણી આપી છે કે આવી અક્ષમતા સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાને ભારે નુકસાન પહોંચાડે છે.


સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના ફર્સ્ટ સેક્રેટરી રઘુ પુરીએ બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી સમિતિના સત્ર દરમિયાન આકરો જવાબ આપ્યો હતો. આ પ્રતિક્રિયા 'આતંકવાદનો સામનો કરતી વખતે માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓના સંવર્ધન અને રક્ષણ' અંગેના વિશેષ પ્રતિનિધિ બેન સોલ (Ben Saul) દ્વારા રજૂ કરાયેલા એક અહેવાલના સંદર્ભમાં હતી.


ભારતનો પ્રતિભાવ શું હતો?

પુરીએ જણાવ્યું હતું કે, "મારા પ્રતિનિધિમંડળે વિવિધ મંચો પર સતત એ વાત ઉઠાવી છે કે, કોઈપણ પ્રકારની જવાબદારી નક્કી કર્યા વિના, કોઈ વિશેષ પ્રતિનિધિ દ્વારા તથ્યાત્મક ભૂલો ધરાવતા અહેવાલો જારી કરવા એ એક અસ્વીકાર્ય બાબત છે."


તેમણે જણાવ્યું કે આનાથી સભ્ય દેશો માટે એક એવી સ્થિતિ ઊભી થઈ છે જેને સુધારી શકાતી નથી. જે એક એવી સંસ્થા માટે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે, જે પોતે જ પોતાની વિશ્વસનીયતા (legitimacy) સામેના પડકારોનો સામનો કરી રહી છે. પુરીએ ઉમેર્યું, "આ સંદર્ભમાં, હું મારા દેશને લગતી કેટલીક સ્પષ્ટ ભૂલો તરફ ધ્યાન દોરવા માંગુ છું."


તેમણે ઉલ્લેખ કર્યો કે બેન સોલના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 2003માં 'ડી-કંપની' જેને 'ભારત-આધારિત ગુનાહિત જૂથ' ગણાવ્યું છે. તેના સરગનાને અલ-કાયદા સાથેના કથિત સંબંધોને કારણે પોતાની પ્રતિબંધ સૂચિમાં સામેલ કર્યો હતો. પુરીએ ટિપ્પણી કરી, "જો આ એક વાક્યને અલગથી વાંચવામાં આવે, તો તે વાસ્તવિકતાથી સંપૂર્ણપણે વિપરીત ચિત્ર રજૂ કરે છે."


'દાઉદ ભારતમાં વોન્ટેડ છે'

'ડી-કંપની'ને 'ભારત-આધારિત' ગણાવવાના દાવાને ફગાવી દેતા, પુરીએ સ્પષ્ટ કર્યું કે આ ગુનાહિત સંગઠન અને તેમાં સૂચિબદ્ધ તેનો મુખ્ય સૂત્રધાર દાઉદ ઈબ્રાહિમ 1993થી ભારતમાં આતંકવાદી હુમલાઓના સંબંધમાં વોન્ટેડ (wanted) છે.


સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અલ-કાયદા સંબંધિત પ્રતિબંધ વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "1267 પ્રતિબંધ વ્યવસ્થા હેઠળ 'સૂચિબદ્ધ કરવાના કારણો' (reasons for listing) માં આ બાબત સ્પષ્ટપણે દર્શાવવામાં આવી છે." પુરીએ ઉમેર્યું, "તે દુઃખદ છે કે આ હકીકતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉચ્ચ અને વિશેષાધિકૃત હોદ્દા પર બેઠેલા લોકો દ્વારા દર્શાવવામાં આવેલી આવી અક્ષમતા આ સંસ્થા માટે ખૂબ જ નુકસાનકારક છે."


'દાઉદ તે જ દેશમાં છુપાયેલો છે જ્યાં ઓસામા માર્યો ગયો હતો'

તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું, "હું હકીકત સ્પષ્ટ કરી દઉં: આ વ્યક્તિ 2003માં યાદીમાં સામેલ થયાના ઘણા સમય પહેલા જ ભારત છોડીને ભાગી ગયો હતો. તે દેશની બહાર હતો ત્યારે જ, અલ-કાયદા અને ઓસામા બિન લાદેન સાથેના તેના સંબંધોને કારણે તેને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો."


પુરીએ ભારપૂર્વક જણાવ્યું કે દાઉદ ઈબ્રાહિમ ભારતનો વોન્ટેડ ગુનેગાર છે અને સંયુક્ત રાષ્ટ્ર (UN)ની યાદી મુજબ, તે એ જ દેશમાં છુપાયેલો છે જ્યાં અલ-કાયદાનો નેતા ઓસામા બિન લાદેન મળી આવ્યો હતો અને માર્યો ગયો હતો. જેનો સ્પષ્ટ ઈશારો પાકિસ્તાન તરફ છે. ઓસામા બિન લાદેન 2011માં પાકિસ્તાનના એબોટાબાદ શહેરમાં યુએસ નેવી સીલ્સ (US Navy SEALs) દ્વારા કરવામાં આવેલા એક દરોડા દરમિયાન માર્યો ગયો હતો.

આ પણ વાંચો: Shraddha Dubey: શિવાના મોત પર થશે મસમોટા ખુલાસા, આરોપી શ્રદ્ધાને લઈને લખનૌ પહોંચી STF