ભારતીય વાયુસેના (IAF)એ લદ્દાખમાં ચીનની સરહદ નજીક મોટી સફળતા હાંસલ કરી છે. વાયુસેનાના સૌથી મોટાં અને ભારે માલવાહક વિમાન IL-76MDએ લદ્દાખની ન્યોમા (Nyoma) હવાઈ પટ્ટી પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે. આ વિમાન દ્વારા 13,629 ફૂટની ઊંચાઈએ કરવામાં આવેલી આ પ્રથમ લેન્ડિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે એક નવો વિશ્વવિક્રમ સ્થાપિત થયો છે.
ભારતની સુરક્ષાની દૃષ્ટિએ આ સિદ્ધિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે ન્યોમા હવાઈ પટ્ટી ચીનની સરહદ એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની નજીક આવેલી છે. આટલી ઊંચાઈએ ભારે વિમાનનું સફળ લેન્ડિંગ થવાથી ભારતીય સેનાની ક્ષમતામાં વધારો થઈ શકે છે. યુદ્ધ કે કટોકટીની સ્થિતિમાં ભારતીય સેના ભારે ટેન્ક, મોટી તોપો, હથિયારો અને સૈનિકોને ઓછા સમયમાં સીધા ચીન સરહદ નજીક પહોંચાડી શકશે.
https://x.com/PTI_News/status/2118965774207574450?a=TUwCkAXXEMK6u8pUZ5g&s=20
આટલી ઊંચાઈએ હવા ખૂબ જ પાતળી હોય છે, જેના કારણે વિમાનનું ઉડ્ડયન અને લેન્ડિંગ મુશ્કેલ બને છે. જોકે, ભારતીય વાયુસેનાના ક્રૂએ પોતાની કુશળતા, સમજદારી અને ચોકસાઈથી આ મુશ્કેલ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે.
લોજિસ્ટિક સંપર્ક માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ
પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક આવેલું ન્યોમા ભારતનાં સૌથી વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ અગ્રિમ હવાઈ મથકોમાંનું એક છે. હિમાલયના દુર્ગમ વિસ્તારમાં આવેલું આ હવાઈ મથક લશ્કરી અભિયાનોમાં મદદ કરવા, જરૂરી સામાન પહોંચાડવા અને સરહદ પર તૈનાત સૈન્ય ટુકડીઓ સાથે માલસામાન તથા પુરવઠાનો સંપર્ક જાળવી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d