પાકિસ્તાની જાસૂસને દરિયાઈ ગુપ્ત માહિતી પૂરી પાડવાના આરોપસર ભારતીય નૌકાદળના એક નાવિકની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર 'હની-ટ્રેપ' દ્વારા ભારત-વિરોધી તત્વોએ આ નાવિકને ફસાવ્યો હતો. આંધ્રપ્રદેશ પોલીસના કાઉન્ટર ઈન્ટેલિજન્સ (CI) સેલે ૩ ઓક્ટોબરના રોજ કોઈમ્બતુરમાં આવેલા નૌકાદળના નેતૃત્વ તાલીમ કેન્દ્ર 'INS અગ્રણી' ખાતેથી 31 વર્ષીય પ્રદીપ મુખર્જીની ધરપકડ કરી હતી.


પશ્ચિમ બંગાળના વતની એવા મુખર્જી 2014માં નાવિક તરીકે નૌકાદળમાં જોડાયા હતા અને વિશાખાપટ્ટનમ સ્થિત ઈસ્ટર્ન નેવલ કમાન્ડમાં તૈનાત હતા. ધરપકડ સમયે તેઓ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ કોર્સમાં ભાગ લઈ રહ્યા હતા અને લગભગ એક અઠવાડિયાથી કોઈમ્બતુરના તાલીમ કેન્દ્રમાં રોકાયેલા હતા.


અહેવાલો અનુસાર, થોડા મહિના પહેલાં પાકિસ્તાનની એક મહિલા જાસૂસે સોશિયલ મીડિયા દ્વારા મુખર્જીનો સંપર્ક કર્યો હતો. સમય જતાં, તેણે આ ઓનલાઇન પરિચયનો લાભ ઉઠાવીને વિશાખાપટ્ટનમ નૌકાદળ મથક સાથે સંકળાયેલી વ્યૂહાત્મક નૌકાદળની સંપત્તિઓ, કાફલાની હિલચાલ અને ઓપરેશનલ પ્રોટોકોલ (કાર્યપદ્ધતિ) અંગેની સંવેદનશીલ માહિતી મેળવી લીધી હતી.


સીમાપારની જાસૂસી અને આતંકવાદી પ્રવૃત્તિઓના જોખમોનો સામનો કરવા માટે રચાયેલા વિશેષ એકમ 'CI સેલ' દ્વારા આ નાવિક સાથે જોડાયેલી શંકાસ્પદ ડિજિટલ પ્રવૃત્તિની જાણ થતાં તપાસ શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના પર દેખરેખ રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: PM Kisan યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? ખેડૂતોને લઈને મોટા સમાચાર