ભારતીય નૌકાદળે માટે આજનો એટલે કે 26 ઓગસ્ટ 2025નો દિવસ ખરેખર ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાશે કેમ કે વિશાખાપટ્ટનમમાં આવેલા નૌકાદળ બેઝ ખાતે આજે ભારતની નૌકાદળ શક્તિમાં બે નવી પાંખો INS ઉદયગિરી અને INS હિમગિરી ઉમેરાઈ છે. ત્યારે નવી મળતી માહિતી મુજબ ભારતીય નૌકાદળ હવે દુશ્મનો માટે એક નવી યોજના બનાવી રહ્યું છે.

ભારતીય નૌકાદળની દુશ્મનો માટે ખાસ યોજના
ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા પછી ભારતીય સેનાએ સતત તેની શક્તિમાં વધારો કરવાની યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત હવે ભારતીય સેના તેની યુદ્ધ તૈયારીઓને નવા સ્તરે લઈ જઈ રહી છે. ભારતીય નૌકાદળ તેની નવી તૈયારી મુજબ આગામી વર્ષ 2030 સુધી એકસાથે 300 બ્રહ્મોસ મિસાઇલો છોડી શકે એવી ક્ષમતા વિકસાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે વિશ્વને બ્રહ્મોસ મિસાઇલનો જે પરચો દેખાડ્યો એ બાદ આખું વિશ્વ બ્રહ્મોસ મિસાઇલથી પ્રભાવિત થયું છે.

ભારતીય સેનામાં બ્રહ્મોસની અભૂતપૂર્વ સફળતા
આજે ભારતીય નૌકાદળમાં બે નવી પાંખો એટલે આધુનિક સ્ટેલ્થ ફ્રિગેટ્સ INS ઉદયગિરી અને INS હિમગિરી જે ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે બે અલગ અલગ શિપયાર્ડમાં બનેલા બે યુદ્ધજહાજો એકસાથે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા છે આ બંને જહાજો સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસથી સુસજ્જ કરવામાં આવ્યા છે. આ નવા સામેલ યુદ્ધ જહાજો સાથે, ભારતીય નૌકાદળ પાસે હવે કુલ 14 ગાઇડેડ મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ્સ છે. દરેક ફ્રિગેટમાં 8 વર્ટિકલ લોન્ચ બ્રહ્મોસ એન્ટી-શિપ મિસાઇલ લોન્ચર્સ છે, જે ભારતીય સેનામાં બ્રહ્મોસની અભૂતપૂર્વ સફળતા દર્શાવે છે.

આત્મનિર્ભર ભારત નવા અભિયાન હેઠળ
ભારતીય સેનામાં બ્રહ્મોસની અભૂતપૂર્વ સફળતાએ આત્મનિર્ભર ભારતનું એક ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. ભારતીય નૌકાદાળમાં તલવાર વર્ગના યુદ્ધ જહાજો 2003માં ભારતીય નૌકાદળનો ભાગ બન્યા હતા અને હાલમાં એમાંથી 6 જહાજો સેવામાં છે. આમાંથી 4 બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ છે જ્યારે બાકીના 2 પર કામ ચાલી રહ્યું છે. આવનારા સમયમાં ભારતીય નૌકાદળ પાસે કુલ 20 ગાઇડેડ મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ્સ હશે, જેમાં 7 નીલગિરી વર્ગ, 3 શિવાલિક વર્ગ અને 10 તલવાર વર્ગના જહાજોનો સમાવેશ થશે. 

  • Follow us on: