ભારતીય રેલવેના માલ પરિવહન ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 1.3 કિલોમીટર લાંબી ડબલ-સ્ટેક કન્ટેનર માલગાડીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ટ્રેન પશ્ચિમ સમર્પિત માલવહન કોરિડોર (DFC) પર દોડાવવામાં આવી હતી અને તેમાં એકની ઉપર એક એમ ડબલ-સ્ટેક કન્ટેનર લાદવામાં આવ્યા હતા.
https://twitter.com/AshwiniVaishnaw/status/2091143261775917352
લાંબી ટ્રેનમાં બે ડબલ-સ્ટેક રેક સામેલ હતા
આ ટ્રેન 21 ઓગસ્ટે સાંજે 7 વાગ્યે મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ (JNPT)થી રવાના થઈ હતી. આશરે 422 કિલોમીટરનું અંતર કાપીને ટ્રેન ગુજરાતના વડોદરા ડિવિઝનના વર્નામા ખાતે આવેલા CONCORના ગુડ્સ કાર્ગો ટર્મિનલ (GCT) પહોંચી હતી. ટ્રેનમાં કુલ 360 TEU કન્ટેનર માલનું પરિવહન કરવામાં આવ્યું હતું. આ લાંબી ટ્રેનમાં બે ડબલ-સ્ટેક રેક સામેલ હતા. દરેક રેકમાં 45+1 લોડેડ કન્ટેનર હતા. આગળના રેકને લોકોમોટિવ નંબર 60311 ખેંચી રહ્યું હતું, જેનું કુલ વજન 1,817 ટન હતું. જ્યારે પાછળના રેકને લોકોમોટિવ નંબર 24690 ખેંચી રહ્યું હતું અને તેનું વજન 2,105 ટન હતું. આમ, બંને રેકનું કુલ વજન 3,922 ટન થયું હતું.
એક જ ટ્રેનમાં વધુ માલનું પરિવહન શક્ય બને
ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેનથી એક જ ટ્રેનમાં વધુ માલનું પરિવહન શક્ય બને છે. તેના કારણે ટ્રેનની અવરજવર ઘટાડી શકાય છે અને બંદરો તથા ટર્મિનલ પર કન્ટેનરની ભીડ ઓછી કરવામાં મદદ મળી શકે છે. સાથે જ રોલિંગ સ્ટોક અને અન્ય સંસાધનોનો વધુ કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે. આ પ્રકારના લાંબા અંતરના માલ પરિવહનથી JNPT જેવા મોટા બંદરો પરથી કન્ટેનરની ઝડપી નિકાસ શક્ય બનશે. પરિવહન સમય અને ખર્ચમાં ઘટાડા ઉપરાંત ટ્રક પરની નિર્ભરતા ઘટવાથી રસ્તા પરની ભીડ અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. વીજળીથી સંચાલિત આ ટ્રેન ભારતીય રેલવેના વધુ કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ માલ પરિવહન તરફના પ્રયાસોને પણ વેગ આપે છે.
આ પણ વાંચો : China જશે અજીત ડોભાલ, સામે આવ્યું મોટું કારણ