રોડની જેમ હવે ભારતીય રેલવે પણ દેશના સૌથી વ્યસ્ત 7 રેલવે રૂટને ફોર-લેન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ યોજના હેઠળ આશરે 11,000 કિલોમીટર લાંબા રેલ કોરિડોરમાં ચાર રેલવે લાઈનની ક્ષમતા વિકસાવવામાં આવશે. તેનો મુખ્ય હેતુ વધતા મુસાફરો અને માલવાહક ટ્રેનો માટે વધુ ક્ષમતા ઊભી કરવાનો છે.

આ સાત કોરિડોર દેશના કુલ રેલવે ટ્રાફિકના લગભગ 41 ટકા હિસ્સાને આવરી લે છે, જ્યારે સમગ્ર રેલવે નેટવર્કમાં તેમનો હિસ્સો માત્ર 16 ટકા છે. આ રૂટ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હાવડા અને ગુવાહાટી જેવા મહત્વપૂર્ણ શહેરોને જોડે છે.

આ 7 રૂટનો થશે સમાવેશ

  • દિલ્હી-હાવડા
  • હાવડા-ચેન્નાઈ
  • ચેન્નાઈ-મુંબઈ
  • મુંબઈ-દિલ્હી
  • દિલ્હી-ચેન્નાઈ
  • મુંબઈ-હાવડા
  • દિલ્હી-ગુવાહાટી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે આ રૂટ પર ચાર રેલવે લાઈન માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે. વધારાની ક્ષમતા ઊભી કરીને ભવિષ્યમાં મુસાફર અને માલવાહક ટ્રાફિકમાં થનારા વધારાને પહોંચી વળવાનો પ્રયાસ કરવામાં આવશે. રેલ પરિવહનથી પરિવહન ખર્ચ ઘટાડવા ઉપરાંત વધુ સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થાને પણ પ્રોત્સાહન મળશે.

દિલ્હી-હાવડા અને દિલ્હી-મુંબઈ સૌથી વ્યસ્ત

દિલ્હી-હાવડા અને દિલ્હી-મુંબઈ દેશના સૌથી વ્યસ્ત રેલ કોરિડોરમાં સામેલ છે. દિલ્હી-હાવડા રૂટ પર દરરોજ 120થી વધુ પેસેન્જર ટ્રેનો અને લગભગ 100 માલગાડીઓ દોડે છે. આ રૂટ આશરે 1,400 કિમી લાંબો છે. જ્યારે દિલ્હી-મુંબઈ રૂટની લંબાઈ લગભગ 1,500 કિમી છે અને તેના પર દરરોજ 90થી વધુ પેસેન્જર ટ્રેનો તથા 80થી 85 માલગાડીઓ દોડે છે. હાવડા-ચેન્નાઈ રૂટ આશરે 1,653 કિમી અને દિલ્હી-ચેન્નાઈ રૂટ લગભગ 2,174 કિમી લાંબો છે. સમગ્ર ભારતીય રેલવે નેટવર્ક પર દરરોજ લગભગ 25,000 ટ્રેનો દોડે છે.

આ પણ વાંચો : Bombay High Courtએ FDAને લગાવી ફટકાર, MCA કોમ્પ્લેક્સમાં રેસ્ટોરન્ટ્સ ફરી શરૂ કરવાનો આપ્યો આદેશ