ભારતીય રેલવેમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે, અને તેની ગુણવત્તા તથા સાફ-સફાઈ સુધારવા માટે રેલવે તંત્ર સતત પ્રયાસશીલ છે. ટ્રેનોમાં અને સ્ટેશનો પર નિયમિત સફાઈ માટે ખાસ સ્ટાફની નિમણૂક કરવામાં આવે છે તેમજ 'ઓન-બોર્ડ હાઉસકીપિંગ' સેવા દ્વારા મુસાફરી દરમિયાન પણ સફાઈ જાળવવામાં આવે છે.
ગુણવત્તાની વાત કરીએ તો, મુસાફરોની સગવડ માટે આધુનિક વંદે ભારત અને એસી એક્સપ્રેસ જેવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે, જેમાં ભોજનની ગુણવત્તા, સમયપાલન અને સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. જો કે, ભારે ભીડને કારણે હજુ પણ કેટલીક જગ્યાએ સુધારણાની અવકાશ રહે છે, પરંતુ પ્રવાસીઓનો અનુભવ વધુ સારો બનાવવા રેલવે સતત પ્રગતિ કરી રહી છે.
RAC ટિકિટ પર પણ સંપૂર્ણ બેડરોલ કીટ અપાશે
ભારતીય રેલ્વેએ લાખો મુસાફરોની સગવડતામાં વધારો કરતો અને લાંબા સમયથી ચાલી આવતી એક મોટી સમસ્યાનો ઉકેલ લાવતો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી, AC કોચમાં રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન (RAC) ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોને પણ સંપૂર્ણ બેડરોલ કીટ આપવામાં આવશે. રેલવે બોર્ડે 4 ઓગસ્ટ, 2026 ના રોજ આ અંગેની સત્તાવાર સૂચના જારી કરીને તમામ ઝોનલ રેલ્વેને તાત્કાલિક અસરથી આ નિયમનો અમલ કરવાનો આદેશ આપ્યો છે.
મુસાફરોની ફરિયાદને આધારે લેવાયો નિર્ણય
અગાઉના નિયમો મુજબ, AC કોચમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ સંપૂર્ણ બેડરોલ કીટ આપવામાં આવતી હતી. RAC સીટ ધરાવતા મુસાફરોને અગવડતાનો સામનો કરવો પડતો હતો, કારણ કે તેમને માત્ર બેડશીટ અને ઓશીકું જ અપાતું હતું અને ધાબળો આપવામાં આવતો ન હતો. ઘણી વાર તો એવી પરિસ્થિતિ સર્જાતી કે બે RAC મુસાફરોએ એક જ બેડરોલ કીટ શેર કરવી પડતી હતી. આ કારણે શિયાળામાં અથવા રાત્રિની મુસાફરી દરમિયાન મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.પરંતુ હવે મુસાફરોને મુશ્કેલી નહી પડે.
નવા આદેશ મુજબ, એસી ચેર કાર (AC Chair Car) સિવાયના તમામ એસી કોચમાં મુસાફરી કરતા દરેક RAC મુસાફરને અલગથી એક સંપૂર્ણ બેડરોલ કીટ પૂરી પાડવામાં આવશે, જેમાં ચાદર, ધાબળો અને ઓશીકાનો સમાવેશ થશે. પ્રયાગરાજમાંથી પસાર થતી તમામ એસી ટ્રેનો સહિત દેશભરની તમામ ટ્રેનોમાં આ નિયમ ફરજિયાતપણે લાગુ કરવામાં આવશે.
ટ્રેનની મુસાફરી વધુ આરામદાયક બનશે
રેલ્વે બોર્ડે તમામ ઝોનલ રેલ્વે, IRCTC અને સંબંધિત વિભાગોને આ આદેશની કડક અમલવારી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. આ નિર્ણયથી ટ્રેનની મુસાફરી વધુ આરામદાયક બનશે અને દેશભરમાં દૈનિક ધોરણે RAC ટિકિટ પર AC કોચમાં મુસાફરી કરતા લાખો મુસાફરોને મોટી રાહત મળશે. રેલવેનો આ પ્રવાસીલક્ષી અભિગમ મુસાફરોના અનુભવને વધુ બહેતર બનાવવાના તેમના સતત પ્રયાસોનો જ એક ભાગ છે.
આ પણ વાંચોઃ WhatsApp પર AI એજન્ટોનું જોખમ, સાયબર સુરક્ષા સંશોધકોએ આપી ચેતવણી