સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારત સરકારે નવી સુરક્ષા સલાહ જાહેર કરી છે. રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે લોકોને વર્તમાન પરિસ્થિતિમાં સાવચેતી રાખવા, સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા અને હવાઈ હુમલાની સ્થિતિમાં તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ આશરો લેવા જણાવ્યું છે. દૂતાવાસે ખાસ અપીલ કરી છે કે ચાલુ ઘટનાઓ સંબંધિત તસવીરો કે વીડિયો ન ઉતારવા અને આવી માહિતી સોશિયલ મીડિયા પર પ્રકાશિત કે શેર ન કરવી. આ સૂચના એવા સમયે આવી છે જ્યારે સાઉદી અરેબિયામાં તાજેતરના ડ્રોન અને મિસાઇલ હુમલાઓ બાદ સુરક્ષાને લઈને ચિંતા વધી છે. 

https://x.com/IndianEmbRiyadh/status/2111812613793341759?s=20

હવાઈ હુમલો થાય તો શું કરવું?

ભારતીય દૂતાવાસે નાગરિકોને હવાઈ હુમલાની સ્થિતિમાં તાત્કાલિક નજીકની સુરક્ષિત જગ્યાએ જવાની સલાહ આપી છે. જો કોઈ ઈમારતની અંદર હોય તો અંદરના રૂમમાં આશરો લેવો જોઈએ. દૂતાવાસે લોકોને શાંત રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા સત્તાવાર માધ્યમોથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. હુમલાની જગ્યા, સુરક્ષા કાર્યવાહી કે સંબંધિત ઘટનાઓના ફોટા અને વીડિયો બનાવવાથી પણ દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.

રિયાધ એરપોર્ટ બંધ, ફ્લાઇટ્સ પર અસર

સુરક્ષાની સ્થિતિને કારણે રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી બંધ છે. જોકે, દમ્મામ, જેદ્દાહ અને મદીનાના એરપોર્ટ કાર્યરત છે, પરંતુ કેટલીક ફ્લાઇટ્સમાં વિક્ષેપ ચાલુ છે. ભારતીય દૂતાવાસે આપેલી માહિતી પ્રમાણે, એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ઈન્ડિગોએ સાઉદી અરેબિયા માટે આવતી-જતી તમામ રૂટની ફ્લાઇટ્સ 24 ઓક્ટોબર સુધી સ્થગિત કરી છે. અકાસા એરે પણ તમામ રૂટ પરની ફ્લાઇટ્સ 27 ઓક્ટોબર સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. તેથી સાઉદી અરેબિયા જવાની અથવા ત્યાંથી ભારત પરત ફરવાની યોજના ધરાવતા લોકોએ મુસાફરી પહેલાં પોતાની એરલાઇન પાસેથી ફ્લાઇટની સ્થિતિની પુષ્ટિ કરવી જરૂરી છે. 

ભારત પાછા ફરવા માટે કયા વિકલ્પો છે?

દૂતાવાસે જણાવ્યું છે કે સાઉદી અરેબિયાથી ભારત આવવા માટે કેટલીક ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. સાઉદિયા એરલાઇન દમ્મામ, જેદ્દાહ અને મદીનાથી ભારત માટે નિર્ધારિત ફ્લાઇટ્સ ચલાવી રહી છે. આ ઉપરાંત, ફ્લાયનાસ દમ્મામથી દિલ્હી અને મુંબઈ માટેની કેટલીક ફ્લાઇટ્સ ચલાવી રહી છે, જ્યારે દમ્મામ-લખનઉની નિર્ધારિત સેવા પણ ચાલુ છે. ફ્લાયઅદિલે દમ્મામથી મુંબઈ માટે 17 અને 18 ઓક્ટોબરે ફ્લાઇટ્સ ઉપલબ્ધ કરાવી હતી. જો કોઈ ભારતીય નાગરિકને તાત્કાલિક ભારત પરત ફરવાની જરૂર હોય, તો તે બહેરીન, કુવૈત અથવા કતાર થઈને મુસાફરીનો વિકલ્પ વિચારી શકે છે. જોકે, આ દેશોમાં પ્રવેશવા માટે જરૂરી વિઝા મેળવવાની જવાબદારી મુસાફરની રહેશે. . 

હેલ્પલાઇન નંબર: 8002471234

સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય નાગરિકો કોઈ પણ પ્રશ્ન કે કટોકટીની સ્થિતિમાં ભારતીય દૂતાવાસની 24 કલાકની હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે. પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્રનો ટોલ-ફ્રી નંબર 8002471234 છે. દૂતાવાસે સાઉદી અરેબિયા જવાની યોજના ધરાવતા લોકોને પણ ફ્લાઇટ રદ થવાની શક્યતા ધ્યાનમાં રાખવા અને મુસાફરી પહેલાં તાજી માહિતી મેળવવા જણાવ્યું છે. 

આ પણ વાંચો: Ukraine Peace: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની નવી રણનીતિ! 3 મુદ્દા પર સમજૂતી કરાવવાનો પ્રયાસ