કોલકાતાથી ચેન્નાઈ આવી રહેલી ઈન્ડિગો એરલાઈન્સની એક ફ્લાઈટ હવામાં જ ગંભીર ટેકનિકલ ખામીનો ભોગ બની હતી. હવામાં ફ્લાઈટનું એક એન્જિન અચાનક બંધ (ફેલ) થઈ જતાં મુસાફરો અને એરપોર્ટ ઓથોરિટીમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ હતી. જોકે, પાયલટની સૂઝબૂઝ અને એરપોર્ટ પર તંત્રની સક્રિયતાના કારણે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને તમામ 224 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

પાયલટે કુશળતા દાખવી બચાવ્યો જીવ

પ્રાપ્ત વિગતો અનુસાર, ફ્લાઈટ જ્યારે કોલકાતાથી ઉપડીને ચેન્નાઈ તરફ આગળ વધી રહી હતી, ત્યારે અચાનક તેનું એક એન્જિન ફેલ થઈ ગયું હતું. આ ગંભીર કટોકટીની સ્થિતિ સર્જાતા જ પાયલટે અસાધારણ કુશળતા દાખવીને તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્ક સાધ્યો હતો અને ચેન્નાઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની મંજૂરી માંગી હતી.

 ચેન્નાઈ એરપોર્ટ પર હાઈએલર્ટ જાહેર કરાયું

પાયલટ દ્વારા કટોકટીનો મેસેજ મળતા જ ચેન્નાઈ એરપોર્ટ પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એરપોર્ટ અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રોટોકોલ અને સુરક્ષાના કડક ધોરણોને અનુસરીને, એરપોર્ટ પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે રનવે ખાલી કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે રનવેની આસપાસ ફાયર બ્રિગેડની ગાડીઓ અને તબીબી ટીમ સાથેની એમ્બ્યુલન્સો તૈનાત કરી દેવામાં આવી હતી.

ઇમરજન્સી લેન્ડિંગ થતા હાશકારો

થોડી જ વારમાં, કડક સુરક્ષા વ્યવસ્થા અને તણાવભર્યા વાતાવરણ વચ્ચે પાયલટે ચેન્નાઈ એરપોર્ટ પર ફ્લાઈટનું સફળતાપૂર્વક ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. વિમાન જમીન પર સહીસલામત ઉતરી જતાં જ વિમાનમાં સવાર તમામ 224 મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને એરપોર્ટ સ્ટાફે હાશકારો અનુભવ્યો હતો.

તપાસના અપાયા આદેશ

હાલમાં જ એર ઈન્ડિયાની ફ્લાઈટ સાથે સર્જાયેલી તોફાનની ઘટના બાદ, ઈન્ડિગોની આ ઘટનાએ વિમાન યાત્રાની સુરક્ષા સામે ફરી એકવાર ચિંતા ઊભી કરી છે. જોકે, સમયસર લેવાયેલા નિર્ણયોને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. લેન્ડિંગ બાદ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરીને તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ, સાવચેતીના ભાગરૂપે તમામ મુસાફરોની પ્રાથમિક તબીબી તપાસ પણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ નાગરિક ઉડ્ડયન સુરક્ષા એજન્સીઓ દ્વારા એન્જિન ફેલ થવાના અસલી કારણો જાણવા માટે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ IRCTCનું જાપાન ટૂર પેકેજ, 10 દિવસના માત્ર આટલા જ રૂપિયા