રાજા રઘુવંશી હત્યાકાંડમાં ઇંદોર અને શિલોંગ પોલીસે કરેલા ખુલાસાએ સૌને ચોંકાવી દીધા છે. ત્યારે રાજાના પિતાનું આ અંગે રોષ બહાર આવ્યો છે. તેમણે ઘટનાને પગલે જબરદસ્ત ગુસ્સો કરતા કહ્યું કે વહુ સોનમને તો ફાંસી થવી જોઇએ. તેણે મારા દિકરાને જાણી જોઇને મોતને ઘાટ ઉતાર્યો. તેના આખા પરિવારને રઘુવંશી સમાજમાંથી બહાર કરવાની વાક કરી.
પિતાનો આક્રંદ
પિતા અશોક રઘુવંશીએ એક ખાનગી ચેનલ સાથે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સોનમે તો પહેલેથી જ રાજાની હત્યા કરવાનું નક્કી કરી લીધુ હતું. સોનમે જાણી જોઇને મેઘાલયની ટિકિટ બુક કરાવી. મારો દિકરો તો હનીમૂન માટે થાઇલેન્ડ જવાની વાત કરી રહ્યો હતો. તે જબરદસ્તી તેને શિલોંગ લઇ ગઇ. તેણે અગાઉથી જ ષડયંત્ર રચી લીધુ હતુ અને ત્યાં જઇને મારા દિકરાની હત્યા કરી નાંખી.
સોનમ જેવી ક્રૂર મહિલાને તો..
પિતા અશોક રઘુવંશીએ ભારે હૈયે એમ પણ કહ્યું કે મારા દિકરાને તડપાવી તડપાવીને માર્યો છે. તેનો મૃતદેહ એટલો વિકૃત હતો કે જોઇ ન શકાય. હું હાર્ટનો પેશન્ટ છું. આથી પરિવાર મને તેના અંતિમ દર્શન માટે નહોતા લઇ ગયા. સોનમ જેવી ક્રૂર મહિલાને તો ફાંસીની સજા મળવી જોઇએ. સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સોનમે તેની કુંડળીમાંથી મંગળ દોષ હટાવવા માટે હત્યા કરાવી. જેથી તે પ્રેમી રાજ કુશવાહ સાથે બીજા લગ્ન કરી શકે...
રઘુવંશી સમાજને પિતાએ કરી અપીલ
અશોક રઘુવંશીએ રઘુવંશી સમાજને એ અપીલ કરી છે કે સોનમના આખા પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવે. તેમણે એવો દાવો પણ કર્યો કે તેના અફેર વિશે તેની માતાને ખબર હતી. તેણે આ ષડયંત્ર વિશે અમને કંઇ ન જણાવ્યુ. આવા પરિવારને સમાજમાં જગ્યા ન મળવી જોઇએ।
પ્રેમી સહિત 3 આરોપીની ધરપકડ
ઉલ્લેખનીય છે કે મેઘાલય પોલીસે ઓપરેશન હનીમૂન હેઠળ પ્રેમી રાજ સહિત અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાજાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સાત જન્મોનો સાથ એવી પોસ્ટ કરીને પોલિસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. 42 સીસીટીવી ફૂટેજ, ખૂનથી લથબથ જેકેટ અને રેનકોટ જેવા પુરાવાથી સોનમના ષડયંત્રનો પર્દાફાશ થયો.