Indus Water Treaty: સિંધુ જળ સંધિ અંગેનું સસ્પેન્શન અનિશ્ચિત સમય માટે અમલમાં રહેશે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે કોઈને પણ હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. પાકિસ્તાન દ્વારા આ મુદ્દાને મધ્યસ્થી કોર્ટમાં લઈ જવાના પગલા અંગે ભારતે જણાવ્યું હતું કે કોર્ટનો ભારતના સાર્વભૌમ નિર્ણયો પર કોઈ અધિકારક્ષેત્ર નથી.


એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, "આજે ગેરકાયદેસર રીતે રચાયેલી કહેવાતી મધ્યસ્થી કોર્ટ (CoA) એ સિંધુ જળ સંધિની વચગાળાના પગલાં અને સ્થિતિ અંગે એક ચુકાદો જારી કર્યો છે." ભારતે જણાવ્યું હતું કે, "આ કહેવાતી કોર્ટની રચના વિશ્વ બેંક દ્વારા સંધિની જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન કરીને કરવામાં આવી હતી અને ભારત તેના કહેવાતા ચુકાદાને સ્પષ્ટપણે નકારી કાઢે છે, જેમ તેણે આ ગેરકાયદેસર રીતે રચાયેલી સંસ્થા દ્વારા અગાઉના તમામ ચુકાદાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે."


વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું કે, "ભારતે ક્યારેય આ ગેરકાયદેસર રીતે રચાયેલી અને કહેવાતી મધ્યસ્થી અદાલતના અસ્તિત્વને માન્યતા આપી નથી; અમે સતત કહ્યું છે કે આ કથિત મધ્યસ્થી સંસ્થાની રચના જ સિંધુ જળ સંધિનું ગંભીર ઉલ્લંઘન છે. પરિણામે, ભારત ક્યારેય આ સંસ્થા સમક્ષ હાજર થયું નથી અને તેના અગાઉના કોઈપણ ચુકાદાને સ્વીકારવાનો કે તેના પર કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો છે."


નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, "આ કહેવાતી મધ્યસ્થી અદાલતને ભારતના સાર્વભૌમ નિર્ણયો પર નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. તેના ચુકાદાઓનો ભારત દ્વારા હાથ ધરવામાં આવતા પ્રોજેક્ટ્સ પર હાલ કે ભવિષ્યમાં કોઈ પ્રભાવ પડશે નહીં. સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય અમલમાં રહેશે."


આ પણ વાંચો: ભોજન બનાવવા માટે કયા વાસણનો કરવો ઉપયોગ? ખાસ જાણવા જેવું...