બંદરો અને શિપિંગ મંત્રાલયે જણાવ્યુ છે કે, ખાડી ક્ષેત્રમાં વેપારી જહાજોમાં લગભગ 23 હજાર ભારતીય ખલાસીઓ સેવા આપી રહ્યા છે.

ખલાસીઓની સલામતી સુનિશ્ચિત કરાશે

સચિવ રાજેશ કુમાર સિંહાએ જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટની પૂર્વમાં સ્થિત અન્ય જહાજો પર 76 વધારાના કર્મચારીઓ છે અને તમામ વ્યક્તિઓની સલામતી પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સિંહાએ નોંધ્યું હતું કે, આ પ્રદેશમાં 28 જહાજો હતા. 28મું જહાજ જગ પ્રકાશ નામનું તેલ ટેન્કર ત્યારથી સુરક્ષિત રીતે આ વિસ્તારમાંથી બહાર નીકળી ગયું છે. મંત્રાલયે પુષ્ટિ કરી છે કે, જહાજ વ્યવસ્થાપન કંપનીઓ અને ભરતી એજન્સીઓ ખલાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા અને જરૂર પડે તો તબીબી સહાય પૂરી પાડવામાં આવશે.

ત્રણ ખલાસીઓના મોત, ચાર ઘાયલ

મંત્રાલયે જણાવ્યુ છે કે, ત્રણ ખલાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ચાર ઘાયલ થયા છે. આઠમો ખલાસી ગુમ છે. રાજેશ કુમાર સિંહાએ જણાવ્યું હતું કે, ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે અને હાલમાં તેમની તબીબી સારવાર ચાલી રહી છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય પર્સિયન ગલ્ફ ક્ષેત્રમાં દરિયાઈ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. જે સતત બદલાઈ રહી છે.

પીએમ મોદીએ સ્થિતિ અંગે કરી ચર્ચા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પીએમ મોદીએ ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારી અંગે ચર્ચા કરી હતી અને અખાતમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હાલમાં 170 ભારતીય નાગરિકોને આર્મેનિયા થઈને જમીન માર્ગે પાછા લાવવામાં આવી રહ્યા છે. ગલ્ફ અફેર્સ માટેના અધિક સચિવ અસીમ આર. મહાજને નોંધ્યું હતું કે ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે એક હેલ્પલાઇન સ્થાપિત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 6.4 મિલિયન ડોલરના ઈરાની ડ્રોને 7 અબજ ડોલરના અમેરિકન વિમાનને તોડી પાડ્યું