આગામી સમયમાં આવનારાં તહેવારોને લઇને રેલવે દ્વારા વિશેષ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેનું બુકિંગ શરૂ થઇ ચૂક્યુ છે. જો તમે ટિકિટ બુક નથી કરાવી તો આજે જ કરાવી લો. અન્ય ટ્રેનો ફુલ થઇ ગઇ હોય તો આ રહ્યા ટ્રેનોના લિસ્ટ જે રેલવે દ્વારા વિશેષ પ્રકારે દોડાવવામાં આવશે.
ખાસ ટ્રેનોનું બુકિંગ શરૂ
દિવાળી અને છઠ્ઠ જેવા પવિત્ર તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તહેવારોની મોસમમાં મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળી રહે અને તેઓ સરળતાથી પોતાના વતન પહોંચી શકે તે માટે પશ્ચિમ રેલવેએ ખાસ સ્પેશિયલ ટ્રેનોની સેવાઓ લંબાવવાનો નિર્ણય લીધો છે. મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ અને ઇન્દોર વચ્ચે દોડતી વિશેષ ટ્રેનોનું બુકિંગ હાલ શરૂ થઈ ચૂક્યું છે.
મુખ્ય ટ્રેનો અને તેમનું ટાઇમટેબલ (2026)
મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસને નવેમ્બર મહિનાના અંત સુધી આ સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધાર્યા છે.
ટ્રેન નં. ૦૯૦૮૭ / ૦૯૦૮૮ (મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ): મુંબઈથી આ ટ્રેન દર બુધવારે દોડશે અને તેની સેવા ૨૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. પરત દિશામાં અમદાવાદથી આ ટ્રેન દર ગુરુવારે દોડશે, જે ૨૬ નવેમ્બર, ૨૦૨૬ સુધી કાર્યરત રહેશે.
ટ્રેન નં. ૦૯૦૭૯ / ૦૯૦૮૦ (મુંબઈ સેન્ટ્રલ - ઇન્દોર): મુંબઈથી ઇન્દોર જતી આ ટ્રેન રવિવાર અને મંગળવારે ૨૯ નવેમ્બર, ૨૦૨૬ સુધી દોડશે. જ્યારે ઇન્દોરથી મુંબઈ પરત ફરતી ટ્રેન સોમવાર અને બુધવારે ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે.
ટ્રેન નં. ૦૯૦૮૫ / ૦૯૦૮૬ (મુંબઈ સેન્ટ્રલ - ઇન્દોર વિશેષ ટ્રેન): મુંબઈથી આ ટ્રેન સોમવાર અને શુક્રવારે ૨૭ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. સામે પક્ષે, ઇન્દોરથી મુંબઈ આવતી ટ્રેન મંગળવાર અને શનિવારે ૨૮ નવેમ્બર, ૨૦૨૬ સુધી સેવા આપશે.
બુકિંગ અને અન્ય માહિતી
આ તમામ ખાસ ટ્રેનો માટે ટિકિટ બુકિંગ પ્રક્રિયા સત્તાવાર રીતે ખુલ્લી મૂકવામાં આવી છે. તહેવારો દરમિયાન સામાન્ય ટ્રેનોમાં લાંબી વેઇટિંગ લિસ્ટ રહેતી હોવાથી, મુસાફરોએ સમય બગાડ્યા વગર IRCTC ની અધિકૃત વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા તાત્કાલિક ટિકિટ બુક કરાવી લેવી હિતાવહ છે.
દર વર્ષે દિવાળી અને છઠ પૂજા નિમિત્તે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. તેને અનુલક્ષીને રેલવે દ્વારા અગાઉથી જ વિશેષ આયોજન કરવામાં આવે છે જેથી મુસાફરોની સફર સુરક્ષિત અને આરામદાયક બની રહે.
આ પણ વાંચોઃ Delhiના પૂર્વ મુખ્ય સચિવ રાકેશ મેહતાએ જીવન ટૂંકાવ્યું, વહીવટી ક્ષેત્રે છોડી મોટી છાપ