જયપુરમાં બનેલી આ ઘટનામાં ત્રણ લોકોએ ઘટનાસ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ઘાયલોની સ્થિતિ અત્યંત ગંભીર છે અને તબીબી ટીમ તેમના જીવ બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.
રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી ફેક્ટરી
આ દુર્ઘટનાની ગંભીરતા એ વાતમાં છે કે આ ફટાકડાની ફેક્ટરી કોઈ ઔદ્યોગિક વિસ્તારમાં નહીં, પરંતુ ગીચ વસ્તી ધરાવતા રહેણાંક વિસ્તારમાં એક ઘરની અંદર ચલાવવામાં આવતી હતી. અચાનક લાગેલી આગને પગલે થયેલા વિસ્ફોટને કારણે આખું ઘર ક્ષણવારમાં લપેટમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ અને સિવિલ ડિફેન્સની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે તેને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરોએ ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.










