જયપુરની શ્રી સત્ય સાઈ પીજી કોલેજમાં ઓલ ઈન્ડિયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ ટેસ્ટ (AIAPGET) દરમિયાન વીજળી ગુલ થતાં ભારે હોબાળો મચ્યો હતો. NTA દ્વારા ઓનલાઈન યોજાયેલી પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા કેટલાક ઉમેદવારો પરીક્ષા અધૂરી છોડીને બહાર આવી ગયા હતા. પરીક્ષાની પ્રથમ પાળી સવારે 10થી 12 વાગ્યા સુધી યોજાવાની હતી, પરંતુ સવારે 10.15 વાગ્યે જ વીજળી ગુલ થઈ ગઈ હતી. વીજળી ન આવતાં પરીક્ષા વ્યવસ્થા ખોરવાઈ હતી. પ્રથમ પાળીની સમસ્યા બાદ પણ વ્યવસ્થા સુધરી ન શકતા તેની અસર બીજી પાળી પર પણ પડી હતી.

https://twitter.com/ANI_MP_CG_RJ/status/2091107271321219255

વીજળીના અભાવે ઓનલાઈન પરીક્ષા શરૂ થઈ શકી નહોતી

બીજી પાળીમાં પણ ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વીજળીના અભાવે ઓનલાઈન પરીક્ષા શરૂ થઈ શકી નહોતી. ઉમેદવારોનો પ્રવેશ બપોરે 1થી 2.30 વાગ્યા સુધી થવાનો હતો, પરંતુ લગભગ 3 વાગ્યા સુધી પણ તેઓ પરીક્ષા કેન્દ્રની બહાર રાહ જોતા રહ્યા હતા. વીજળી માટે જનરેટર ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમાં ડીઝલ ન હોવાનું સામે આવ્યું. ત્યારબાદ બીજુ જનરેટર મગાવવામાં આવ્યું, પરંતુ તે પણ ટેકનિકલ ખામીને કારણે શરૂ થઈ શક્યો નહીં. ત્રીજો જનરેટર લાવવામાં આવ્યો હોવા છતાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત થઈ શક્યો નહોતો.

1 સપ્ટેમ્બરે ફરી પરીક્ષા યોજાશે

NTAના જણાવ્યા અનુસાર, 22 ઓગસ્ટે દેશભરના 200 કેન્દ્રો પર 35,837 ઉમેદવારોએ પ્રથમ પાળીમાં પરીક્ષા આપી હતી. તેમાંથી 35,788 ઉમેદવારોએ પરીક્ષા પૂર્ણ કરી હતી. જયપુર કેન્દ્રના 192 ઉમેદવારોમાંથી 49 ઉમેદવારો વીજળી ગુલ થવાના કારણે પરીક્ષા પૂર્ણ કરી શક્યા નહોતા. હવે આ 49 ઉમેદવારોની ફરી પરીક્ષા 1 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 10 વાગ્યે જયપુરના રાજસ્થાન કોલેજ ઓફ એન્જિનિયરિંગ ફોર વિમેન ખાતે યોજાશે. સુધારેલા એડમિટ કાર્ડ દ્વારા વધુ માહિતી આપવામાં આવશે.

આ પણ વાંચો : Vande Mataram પર રાજકીય ઘમાસાણ... કોંગ્રેસના નિર્ણય પર ભડકી BJP, પસાર કર્યો 10 મુદ્દાઓનો ઠરાવ