જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આજે 14 ઑગસ્ટ, 2025 ગુરુવારે ચિશોઠી વિસ્તારમાં આવેલ હિમાલય સ્થિત મચૈલ માતા મંદિર પાસે વાદળ ફાટવાના પગલે અત્યાર સુધી 33 લોકોના મોત થયા છે અને 50 લોકોને અત્યાર સુધી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હાલ વિશાળ સ્તરે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
કેન્દ્રિય મંત્રીની પ્રતિક્રિયા
કેન્દ્રિય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું કે ચિશોઠી વિસ્તારની ઘટના ખૂબ ગંભીર છે. તેમણે કહ્યું કે પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને બચાવ ટીમોને તરત મોકલવામાં આવી છે.
પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કિશ્તવાડમાં થયેલી દુર્ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દુઃખની આ ઘડીમાં તેઓ પીડિતો સાથે છે અને તમામ જરૂરી મદદ પુરી પાડવામાં આવશે.
મૃતકોમાં CISFના બે જવાન, 120થી વધુ ઘાયલ
અધિકારીઓ મુજબ મૃતકોમાં CISFના 2 જવાન પણ શામેલ છે અને 120 લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. રસ્તાઓ અને ભેજભર્યા વિસ્તારમાં રાહત કામગીરીમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. વાદળ ફાટ્યા પછી અડધુ ગામ તણાઇ ગયું છે, રસ્તાઓ નષ્ટ થયાં છે અને રાહત દળોને પહોંચવામાં મુશ્કેલી થઈ રહી છે.
હેલ્પલાઈન નંબરો
જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા શરૂ કરાયેલ કંટ્રોલ રૂમ માટે નીચેના ફોન નંબરો જાહેર કરવામાં આવ્યા છે: 9858223125, 6006701934, 9797504078, 8492886895, 8493801381, 7006463710
અમિત શાહની પ્રતિક્રિયા
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને તેમને તમામ શક્ય સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સ્થાનિક પ્રશાસન રાહત કામગીરીમાં વ્યસ્ત છે.
કંટ્રોલ રૂમ સક્રિય
કિશ્તવાડ જિલ્લામાં હાલની મોસમી પરિસ્થિતિ અને વાદળ ફાટવાની આપદાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન અને પોલીસ વિભાગે કંટ્રોલ રૂમ સક્રિય કર્યા છે અને તમામ સબ-ડિવિઝનને હાઇ અલર્ટ પર રાખવામાં આવ્યા છે. ચિશોઠી ગામમાં ભારે જાળવણી હેઠળ રાહત કાર્ય ચાલી રહ્યું છે. આખા દેશમાંથી લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને શોકસંદેશ પાઠવી રહ્યા છે.