જમ્મુ અને કાશ્મીરમાં વધુ એક વિસ્ફોટથી ગભરાટ ફેલાયો છે. કુપવાડા જિલ્લામાં બુધવારે (29 ઓક્ટોબર) એક રહસ્યમય વિસ્ફોટમાં 10થી 13 વર્ષની વયના ઓછામાં ઓછા 4 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બધા બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.


મેદાનમાં જૂનો વિસ્ફોટક શેલ પડેલો હતો

અહેવાલો મુજબ આ ઘટના આજે બપોરે ઉત્તર કાશ્મીરના હંદવાડામાં જિલ્લા પોલીસ લાઈન્સ (DPL) નજીક તુતીગુંડ ગામમાં બાળકોનું એક જૂથ ક્રિકેટ રમી રહ્યું હતું ત્યારે બની છે. મેદાનમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો, જેમાં 10થી 13 વર્ષની વયના ચાર બાળકો ઘાયલ થયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેદાનમાં એક કાટવાળો, જૂનો વિસ્ફોટક શેલ પડેલો હતો અને અચાનક ફૂટ્યો, જેનાથી બાળકો ઘાયલ થયા છે.

વિસ્ફોટના અવાજથી ગભરાટ ફેલાયો

વિસ્ફોટના અવાજથી ઘટનાસ્થળે ગભરાટ ફેલાયો છે. બાળકો ભયભીત થઈને જમીન પર ઘાયલ હાલતમાં પડ્યા. વિસ્ફોટનો અવાજ સાંભળીને નજીકના ગ્રામજનો અને સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા અને બધાને હોસ્પિટલમાં દાખલ કર્યા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો. યલોની ઓળખ ઉઝૈર તાહિર, સાજિદ રશીદ, હાઝીમ શબ્બીર અને ઝિયાન તાહિર તરીકે થઈ છે, જે બધા સ્થાનિક ગ્રામજનો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ ઘાયલોને સારવાર માટે જીએમસી હંદવાડામાં લઈ જવામાં આવ્યા, યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

પોલીસે વિસ્તારને કોર્ડન કર્યો

આ દરમિયાન ઘટના બાદ પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો અને વિસ્ફોટની પ્રકૃતિ અને સ્ત્રોત નક્કી કરવા માટે તપાસ શરૂ કરી હતી. સુરક્ષા દળો હાલમાં વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. નજીકના રહેવાસીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાળકો જ્યાં ક્રિકેટ રમી રહ્યા હતા તે મેદાન ખૂબ મોટું છે. સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ ઘટનાસ્થળની તપાસ કરી રહ્યા છે. મેદાનને સીલ કરી દેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જમીનમાં વધુ ગોળા દટાયેલા હોઈ શકે છે. તેથી, સાવચેતીના પગલા તરીકે મેદાનને સીલ કરવામાં આવ્યું છે.

  • Follow us on: