જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મંગળવારે મોડી સાંજે આતંકીઓએ પોલીસ દળ પર ફાયરિંગ કર્યું છે. આ ઘટના કોટરાંકા સ્ટેશન વિસ્તારના મંદિર ગાલાના ઉપર ઘેરી ખાતુની વિસ્તારમાં બની છે. જાણકારી મુજબ સાંજે લગભગ 7.20 વાગ્યે વિસ્તારમાં 10થી 15 રાઉન્ડ ફાયરિંગનો અવાજ સંભળાયો. મળતી માહિતી મુજબ આતંકીઓએ તે સમયે જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પર ફાયરિંગ કર્યુ, જે વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી.
સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી
ફાયરિંગ બાદ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ અને વધારે સુરક્ષા દળોને સ્થળ પર મોકલી દેવામાં આવ્યા છે. 43 આરઆરની ટુકડી પહેલા જ આ વિસ્તારમાં તૈનાત છે અને તાત્કાલિક તેને મોર્ચો સંભાળી લીધો છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી છે અને આતંકીઓની શોધખોળ કરવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. પ્રાથમિક જાણકારી મુજબ અત્યાર સુધીમાં કોઈ ઘાયલ થયું હોવાની જાણકારી મળી નથી. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ફાયરિંગની ઘટના અવારનવાર બનતી હોય છે. જો કે પહલગામ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે.
રાજૌરીમાં જૈશના આતંકીની ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ
અગાઉ 30 જૂને ભારતીય સેનાએ જમ્મૂ-કાશ્મીરના રાજૌરીમાંથી નિયંત્રણ રેખા (LoC) પર આતંકીઓની ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. સેનાએ જણાવ્યુ કે આ દરમિયાન એક પાકિસ્તાની ગાઇડને ઝડપી પાડ્યો હતો. સેનાએ કહ્યું, 'સતર્ક સૈનિકોની ઝડપી અને નિર્ણાયક કાર્યવાહી બાદ, એક મુખ્ય ગાઇડને પકડી લેવામાં આવ્યો, જેણે ઘૂસણખોરીના પ્રયાસને અસરકારક રીતે નિષ્ફળ બનાવ્યો અને ઘૂસણખોર આતંકવાદીઓને ઈજાઓ પણ પહોંચાડી.' એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે'ગુપ્ત માહિતી મળી હતી કે નિયંત્રણ રેખા પાર આતંકવાદીઓને મોકલવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારબાદ સેનાએ BSF સાથે મળીને એક કાર્યવાહી હાથ ધરી અને સૈનિકોએ 4-5 ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓની હિલચાલ જોઈ જે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા.'










