જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં એક શંકાસ્પદ કબૂતર મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં હલચલ મચી ગઈ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, કબૂતરના પગમાં એક વીંટી (રિંગ) હતી, અને તેની સાથે ઉર્દૂ ભાષામાં લખેલી એક શંકાસ્પદ ચિઠ્ઠી તથા પાકિસ્તાની ચલણ પણ મળી આવ્યું હતું. આ ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે અને લોકોની અવરજવર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કબૂતર પાસેથી મળેલી વસ્તુઓએ સુરક્ષા એજન્સીઓનું ધ્યાન ખેંચ્યું છે. આ કબૂતર ક્યાંથી આવ્યું અને તે ચિઠ્ઠી તથા પાકિસ્તાની ચલણ પાછળનો હેતુ શું હતો, તે જાણવા માટે હવે તપાસ શરૂ કરવામાં આવી છે.
પગમાં કોડ નંબરવાળી વીંટી
અહેવાલો મુજબ, સાંબાના સરહદી ગામ 'માવા'માં આવેલા કાલી માતા મંદિર પાસે એક કબૂતર મળી આવ્યું હતું, જેના પગમાં કોડ નંબર લખેલી એક રીંગ હતી. સ્થાનિક રહેવાસીઓએ આ પક્ષીને જોયું અને પોલીસને જાણ કરી. ત્યારબાદ કરવામાં આવેલી તપાસમાં પાકિસ્તાની ચલણ અને ઉર્દૂમાં લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. સ્થાનિક લોકોએ કબૂતરને પકડીને સંબંધિત સત્તાવાળાઓ અને પોલીસને સોંપી દીધું હતું.
એજન્સીઓ દ્વારા તપાસ શરૂ
સ્થાનિક પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને જાણ કરવામાં આવી છે અને મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની ચલણ, ઉર્દૂમાં લખેલી ચિઠ્ઠી અને કોડ નંબરવાળી વીંટી મળી આવતા સત્તાવાળાઓએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે. જોકે, કબૂતર ક્યાંથી આવ્યું, ચિઠ્ઠીમાં શું લખેલું છે કે પછી વીંટી પરના કોડનો અર્થ શું છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
અગાઉ પાકિસ્તાની ફુગ્ગાઓ મળી આવ્યાની ઘટનાઓ
છેલ્લા કેટલાક અઠવાડિયાથી સરહદ પારથી ફુગ્ગાઓ અને કબૂતરો આવવાની ઘટનાઓ વારંવાર બની રહી છે. જે એક ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. તાજેતરમાં, જમ્મુના ખૌર વિસ્તારમાં આવેલા પાલનવાલામાં વિમાનના આકારનો એક શંકાસ્પદ ફુગ્ગો મળી આવ્યો હતો. આ ફુગ્ગા પર 'પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ' (PIA) ના નિશાન હતા.
આ પણ વાંચો: India: મેટ્રો નેટવર્કમાં જાપાનને પણ પાછળ છોડી પહોંચ્યું નંબર-3 પર... હવે અમેરિકાને ટક્કર આપવાની તૈયારી!