દિલ્હીના જંતર-મંતર ખાતે 20 જુલાઈએ યોજાયેલા વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શન બાદ નોંધાયેલી FIRની પોલીસ તપાસમાં દખલગીરી રોકવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કેન્દ્ર સરકાર, દિલ્હી પોલીસ કમિશનર અને દિલ્હી સરકારને પ્રદર્શન સાથે સંબંધિત FIRની તપાસ સ્વતંત્ર, નિષ્પક્ષ અને કાયદા અનુસાર કરાવવા માટે જરૂરી નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે.

કોને બનાવવામાં આવ્યા પક્ષકાર?

20 જુલાઈએ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા NEET પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓના મુદ્દે 'સંસદ ચાલો' પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન કથિત રીતે હિંસા ફાટી નીકળ્યા બાદ દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓ અને અન્ય લોકો વિરુદ્ધ અનેક FIR નોંધાવી હતી. અરજીકર્તા રામનાથને દાખલ કરેલી અરજીમાં CJPના સ્થાપક અભિજીત દિપકે અને વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. ત્રિપાઠીએ જંતર-મંતર પ્રદર્શન દરમિયાન પોલીસની કથિત કાર્યવાહી સામે અગાઉ જનહિત અરજી પણ દાખલ કરી હતી.

પોલીસની તપાસની સ્વતંત્રતા પર ભાર મૂકવામાં આવ્યો

અરજીમાં પોલીસની તપાસની સ્વતંત્રતા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં દલીલ કરવામાં આવી છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાની તપાસ કરવા અને દોષિતો સામે કાર્યવાહી કરવાની પોલીસની કામગીરીમાં કાયદાની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થાય ત્યાં સુધી અનાવશ્યક દખલગીરી થવી જોઈએ નહીં. પરંતુ ચાલી રહેલી તપાસને વારંવાર વચગાળાના આદેશો દ્વારા રોકવી અથવા નિયંત્રિત કરવી બંધારણીય ચિંતાનો વિષય બની શકે છે. તેથી FIRની તપાસ કાયદા મુજબ અને નિષ્પક્ષ રીતે આગળ વધારવા માટે નિર્દેશની માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Assamમાં સીએમ હિંમતા બિસ્વા શર્માને જાનથી મારી નાખવાની ધમકી, હત્યા માટે માગ્યા 1 કરોડ રૂપિયા