સોરેન સરકારે ગઈ રાત્રે લગભગ 44 ભરતી પરીક્ષાઓ રદ કરી દીધી છે. આ અંગે અધિસૂચના જાહેર કરીને નિર્ણયને તાત્કાલિક અસરથી લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા ગઈ રાત્રે લગભગ 8 અધિસૂચનાઓ જાહેર કરવામાં આવી હતી.
રદ કરવામાં આવેલી 44 પરીક્ષાઓમાં વર્ષ 2014થી ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) તેમજ આઉટસોર્સ એજન્સી TSR Data Processing Private Limited (TDPL) દ્વારા લેવામાં આવેલી પરીક્ષાઓનો સમાવેશ થાય છે. સરકારે આ તમામ પરીક્ષાઓની યાદી પણ જાહેર કરી છે. તમામ યાદીઓ અને સંબંધિત નોટિફિકેશન X પર અપલોડ કરવામાં આવ્યા છે.
ઝારખંડ સરકારે આ પરીક્ષાઓ કરી રદ
ઝારખંડની હેમંત સોરેન સરકારે ડ્રગ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડેપ્યુટી કલેક્ટર, ડેન્ટલ ડોક્ટર, આસિસ્ટન્ટ એન્જિનિયર, સિવિલ જજ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અને ફોરેસ્ટ રેન્જ ઓફિસર જેવા મહત્વપૂર્ણ પદોની ભરતી માટેની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત સરકારી પોલિટેકનિક કોલેજોમાં લેક્ચરર, સિનિયર સાયન્ટિફિક ઓફિસર, આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તેમજ વિવિધ વહીવટી અને ટેકનિકલ પદો માટે લેવામાં આવેલી ભરતી પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે.
સરકાર હવે ઝારખંડ હાઈકોર્ટને વિનંતી કરશે કે JPSC અને JSSCની ભરતી પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓના કેસોની વહેલી સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે. સરકારનું કહેવું છે કે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે આ પગલું જરૂરી છે.
2 મહિનામાં તપાસ કમિટી આપશે રિપોર્ટ
ભવિષ્યમાં JPSC અને JSSCની ભરતી પરીક્ષાઓમાં આવી ગેરરીતિઓ ન થાય તે માટે બંને સંસ્થાઓમાં વિજિલન્સ સેલ પણ બનાવવામાં આવશે. ભરતી પ્રક્રિયામાં સુધારા માટે વરિષ્ઠ IAS અધિકારી અમિતાભ કૌશલની અધ્યક્ષતામાં એક કમિટી કામ કરી રહી છે. આ કમિટી આગામી 2 મહિનાની અંદર સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે.
ગત સોમવારે મળેલી કેબિનેટ બેઠકમાં સોરેન સરકારે JSSCની કૉમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. આ પરીક્ષા રદ કરવાની માંગ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની મુખ્ય માંગોમાંની એક હતી.
ત્યારબાદ સરકારે વધુ એક મોટો નિર્ણય લેતા TDPL એજન્સી દ્વારા લેવામાં આવેલી તમામ ભરતી પરીક્ષાઓ તેમજ તે પરીક્ષાઓના જાહેર થયેલા પરિણામોને પણ રદ કરી દીધા છે. આ નિર્ણય બાદ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના મુદ્દે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને લઈને સરકારના વલણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.