કાનપુરના ચકેરી વિસ્તારમાં આવેલી શ્યામનગરની એમડી ઈન્ફોટેક પરીક્ષા કેન્દ્ર ખાતે BSFની ભરતી પરીક્ષામાં મોટી ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. પરીક્ષા ત્રણ શિફ્ટમાં યોજાવાની હતી, પરંતુ પ્રથમ શિફ્ટ દરમિયાન જ વિદ્યાર્થીઓએ પેપર લીક થયું હોવાનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો.
અનેક વખત કોમ્પ્યુટર સિસ્ટમ બંધ થઈ હતી
મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસ અધિકારીઓ તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ પરીક્ષા દરમિયાન તેમને બે-ત્રણ વખત પેપર સેટ અંગે પૂછવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન અનેક વખત કોમ્પ્યુટર સિસ્ટમ બંધ થઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓની સિસ્ટમ સતત ચાલુ હોવાનો પણ અન્ય વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, એક-બે વિદ્યાર્થીઓ મોબાઈલ જોઈને પ્રશ્નોના જવાબ આપી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર ઉગ્ર વિરોધ નોંધાવ્યો
આ પ્રકારની ગેરરીતિના આક્ષેપો બાદ વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પોલીસની હાજરીમાં પણ વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. હોબાળા બાદ પોલીસ અને પરીક્ષા કેન્દ્રના સંચાલકો વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રની બહાર ત્રણેય શિફ્ટની પરીક્ષા રદ કરવામાં આવી હોવાની નોટિસ લગાવવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓએ માત્ર નોટિસ લગાવવાથી સંતોષ માન્યો નહોતો અને પરીક્ષા રદ થયાનું લેખિતમાં આપવા માગણી કરી હતી.
પરીક્ષા ફરીથી 18 સપ્ટેમ્બરે યોજવામાં આવશે
કેન્દ્ર પર BSFની પરીક્ષા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ ગેરરીતિની ફરિયાદ કરીને હોબાળો કર્યો હતો. ઈલેક્ટ્રિક સિસ્ટમ ફેલ થવાને કારણે પરીક્ષા કેન્દ્ર પર સિસ્ટમ ડાઉન થઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. પરીક્ષા રદ કર્યા બાદ હવે વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી 18 સપ્ટેમ્બરે યોજવામાં આવશે. આ અંગે BSFની સત્તાવાર સાઇટ પર પણ માહિતી આપવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું છે.
આ પણ વાંચો : Heavy Rain: દિલ્હીવાસીઓ સાવધાન! હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ, યુપી-ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી