ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં ચકચાર મચાવનાર કરોડપતિ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગપતિ વિનીત મનોચાની હત્યાના મામલામાં રોજ નવા અને સનસનીખેજ ખુલાસા થઈ રહ્યા છે. કલ્યાણપુરના ઇન્દિરાનગરમાં આવેલા રતન ઓર્બિટ એપાર્ટમેન્ટમાં ૬૩ વર્ષીય દવાના મોટા વેપારી વિનીત મનોચાની શનિવારે મોડી રાત્રે ક્રૂરતાપૂર્વક છરીના ૨૬ થી વધુ ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સમયે તેઓ ફ્લેટમાં એકલા હતા અને રવિવારે સવારે જ્યારે તેમનો પુત્ર અને પુત્રવધૂ પાર્ટીમાંથી પરત ફર્યા ત્યારે આ ભયાનક હત્યાનો ઘટસ્ફોટ થયો હતો.

પુત્રવધૂએ નોકર સાથે મળી આ રીતે કરી હત્યા

પોલીસ તપાસમાં શરૂઆતમાં આ એક સામાન્ય લૂંટ કે અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલી હત્યા જેવું લાગતું હતું, કારણ કે પુત્રવધૂ શાલુ સસરાના મૃત્યુ પર ખૂબ રડતી અને આઘાતમાં જોવા મળી હતી. પરંતુ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતા સમગ્ર કાવતરાની પરતો ખુલતી ગઈ. એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરામાં ઉદ્યોગપતિના ભૂતપૂર્વ કર્મચારી વિશાલ ગૌતમ અને તેના સાથી રાજકિશોર ફ્લેટમાં અવરજવર કરતા નજરે પડ્યા હતા, જેના આધારે પોલીસે એન્કાઉન્ટર બાદ બંનેની ધરપકડ કરી હતી. પૂછપરછમાં બંનેએ સ્વીકાર્યું કે તેઓએ વિનીત મનોચાની હત્યા કરવા માટે ૬ લાખ રૂપિયાનો સોદો કર્યો હતો અને આ હત્યાનો પ્લાન ઉદ્યોગપતિની પુત્રવધૂ શાલુ પાસેથી જ મળ્યો હતો.

21 દિવસના કોલ રેકોર્ડ અને ૩૩૦ કોલનું રહસ્ય

આ કેસની તપાસ જેમ-જેમ આગળ વધી તેમ તેમ પોલીસના હાથે એક અત્યંત મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવો લાગ્યો—છેલ્લા ૨૧ દિવસની કોલ ડિટેલ રેકોર્ડ (CDR). પોલીસ તપાસમાં બહાર આવ્યું કે હત્યાના આ કાવતરા અગાઉના ત્રણ અઠવાડિયામાં પરિવારના સભ્યો અને મુખ્ય આરોપી વિશાલ ગૌતમ વચ્ચે અસાધારણ રીતે ભારે વાતચીત થઈ હતી. કોલ હિસ્ટ્રી મુજબ, મૃતક ઉદ્યોગપતિની પુત્રવધૂ શાલુએ વિશાલ સાથે આશરે ૩૦ વખત ફોન પર વાત કરી હતી, જ્યારે તેના પતિ સુબ્રતે તે જ સમયગાળા દરમિયાન વિશાલ સાથે લગભગ ૩૦૦ થી વધુ વખત વાર્તાલાપ કર્યો હતો. આમ, કુલ મળીને આમ, કુલ મળીને આ 21 દિવસોમાં આશરે 330 જેટલા કોલ્સ નોંધાયા હતા.

લાંબા સમયથી ઘડાયેલું સુવ્યવસ્થિત કાવતરું

જ્યારે પોલીસે આટલી મોટી સંખ્યામાં કોલ્સ વિશે પૂછપરછ કરી, ત્યારે પતિ સુબ્રતે સ્પષ્ટતા આપી કે વિશાલ અગાઉ તેના માટે કેટલાક અંગત અને વિચિત્ર કામો કરતો હતો, જેને કારણે તે તેની સાથે ફોન પર સંપર્કમાં રહેતો હતો. જો કે, પોલીસ આ કોલ હિસ્ટ્રીને માત્ર સામાન્ય રૂટિન વાતચીત તરીકે સ્વીકારવા તૈયાર ન હતી અને સતત તેની સમય અને પેટર્ન મુજબ તપાસ કરી રહી હતી. વધુમાં, ઘરમાં સરળતાથી પ્રવેશવા માટે મૂળ ચાવીના આધારે ડુપ્લિકેટ ચાવી પણ બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું, જે દર્શાવે છે કે આ ગુનો લાંબા સમયથી ઘડાયેલું સુવ્યવસ્થિત કાવતરું હતું.

પુત્રવધૂની સઘન પૂછપરછ અને ભાંગી પડવું

આરોપીઓના નિવેદનો અને શંકાસ્પદ કોલ ડિટેલ્સના આધારે પોલીસે સોમવારે શાલુની સઘન પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતના દોઢ કલાક સુધી શાલુએ આ હત્યા કેસ કે કાવતરા સાથે પોતાનો કોઈ જ સંબંધ ન હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પરંતુ પોલીસે તેના પતિ સુબ્રત, સાસુ પુનિતા, વિનીતના ભાઈ અને સુરક્ષા રક્ષક મદન સિંહની હાજરીમાં તેની સામે મજબૂત પુરાવા અને સીડીઆર (CDR) રજૂ કર્યા હતા. પોલીસ દ્વારા પૂછવામાં આવેલા આશરે ૧૫ સચોટ પ્રશ્નો અને પુરાવાઓની આગળ શાલુ ટકી શકી નહીં અને તે ભાંગી પડી. તેણે સસરાની હત્યાના કાવતરામાં પોતાની સંડોવણી હોવાની વાત કબૂલી લીધી હતી.

પોલીસે આ કબૂલાત બાદ શાલુની સત્તાવાર ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલી મોટી સંપત્તિ અને પારિવારિક મોભો હોવા છતાં પુત્રવધૂએ શા માટે પોતાના જ પરિવારના વડીલની હત્યા કરવાનું જઘન્ય પગલું ભર્યું. આ કમનસીબ ઘટનાએ સમગ્ર કાનપુર અને વેપારી જગતમાં ખળભળાટ મચાવી દીધો છે, જ્યાં પૈસા અને લાલચ માટે સંબંધોનું ખૂન થયું હોવાનું સાબિત થયું છે.

આ પણ વાંચોઃ ATM મશીનમાં ચોરી માટે ચોરોનો ગજબનો કીમિયો, જાણીને મગજ ચકરાવે ચઢી જશે....