મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના અને એકનાથ શિંદે જૂથ વચ્ચે પાર્ટીના નામ,ચૂંટણી ચિહ્ન અને ધારાસભ્યોની ગેરલાયકાત મામલે સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ ચાલી રહી છે.આજે પણ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે શિવસેનાના ધારાસભ્યોની ગેરલાયકાત વિવાદ મામલે સુનાવણી યોજી હતી.આ દરમિયાન શિવસેના-UBT તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ગઈકાલની સુનાવણી દરમિયાન શિંદે જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબ અને દલીલો પર પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. 

રજિસ્ટરની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવ્યા

એક દિવસ પહેલાં એકનાથ શિંદે જૂથ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ધ્રુવ મહેતાએ જણાવ્યું હતું કે પાર્ટી નેતૃત્વ પ્રત્યે અસહમતી વ્યક્ત કરવી અથવા ધારાસભ્ય દળની બેઠકમાં હાજર ન રહેવું એ પક્ષપલટો ગણી શકાય નહીં. તેમના મતે બંધારણની દસમી અનુસૂચિ હેઠળ ગેરલાયકાત ત્યારે જ લાગુ થાય છે જ્યારે કોઈ ધારાસભ્ય સ્વેચ્છાએ પાર્ટીનું સભ્યપદ છોડે.મહેતાએ દલીલ કરી હતી કે ધારાસભ્ય દળની બેઠકમાં હાજર ન રહેવું માત્ર કોઈ ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાનો આધાર ન હોઈ શકે.તેમણે 21 જૂન 2022ની બેઠક કથિત વ્હિપ અને હાજરી રજિસ્ટરની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

પાર્ટીની મૂળ વૈચારિક ઓળખ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ

શિંદે જૂથે બુધવારે સુપ્રીમ કોર્ટમાં એવી પણ દલીલ કરી હતી કે નવેમ્બર 2019માં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા જૂથનો ભાજપ સાથે નાતો તોડીને કોંગ્રેસ અને NCP સાથે મળીને મહા વિકાસ આઘાડી સરકાર બનાવવાનો નિર્ણય એ વૈચારિક આધારથી દૂર જવાનું હતું. જેના પર શિવસેનાએ મત માંગ્યા હતા. CJI સૂર્યકાંત,જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી.મોહનાની બેન્ચ સમક્ષ શિંદે જૂથ તરફથી ધ્રુવ મહેતાએ કહ્યું કે જૂન 2022માં ઠાકરે વિરુદ્ધ બળવો કરનારા ધારાસભ્યોએ શિવસેના છોડી ન હતી, પરંતુ તેઓ પાર્ટીની મૂળ વૈચારિક ઓળખ અને રાજકીય ગઠબંધનને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.આ નિષ્કર્ષ નીકળ્યો અને વિધાનસભા અધ્યક્ષે પણ બિલકુલ સાચું કહ્યું કે દસમી અનુસૂચિનો હેતુ પાર્ટીની અંદર શિસ્ત લાગુ કરવાનો કે પાર્ટીની કામગીરી ચલાવવાનો નથી.

તો કોઈ પણ ચૂંટાયેલી સરકાર ટકી નહીં શકે

આના પર પોતાનો જવાબ દાખલ કરતા કપિલ સિબ્બલે દલીલ કરી કે સ્પીકર ધારાસભ્ય દળ અને રાજકીય પક્ષને એક ન માની શકે.તેમણે શિંદે જૂથની માન્યતાને પડકારતા કહ્યું,જો આવું થવા દેવામાં આવશે તો કોઈ પણ ચૂંટાયેલી સરકાર ટકી નહીં શકે.આ સાથે જ સિબ્બલે કહ્યું હું આ જવાબમાં આપેલી કેટલીક વાતો તરફ તમારું ધ્યાન દોરું તે પહેલાં હું મૂળભૂત સિદ્ધાંતોના આધારે એ પૂછવા માંગુ છું કે સ્પીકરનો અધિકારક્ષેત્ર શું છે? તેમણે કહ્યું, પહેલી વાત સ્પીકરને રાજકીય પક્ષના બંધારણ સાથે કોઈ લેવાદેવા નથી.પાર્ટીના બંધારણના મામલે તેમની કોઈ ભૂમિકા હોતી નથી. 

જ્યારે સ્પીકરનો નિર્ણય આવી ચૂક્યો હતો

સિબ્બલે આગળ કહ્યું, બીજો સિદ્ધાંત એ છે કે તમે રાજકીય પક્ષ અને ધારાસભ્ય દળને એક ન માની શકો.આ બંને અલગ-અલગ ખ્યાલો છે જેને ખુદ દસમી અનુસૂચિમાં માન્યતા આપવામાં આવી છે.તેનું પરિણામ એ આવે છે કે તમે ધારાસભ્ય દળને ક્યારેય રાજકીય પક્ષ ન કહી શકો.ત્રીજી વાત,મને એ વાત માટે દંડિત ન કરી શકાય કે હું ત્યારે કોર્ટમાં આવ્યો જ્યારે સ્પીકરનો નિર્ણય આવી ચૂક્યો હતો, પરંતુ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી મામલાની સુનાવણી જ ન થઈ. સિબ્બલે કહ્યું કે આ એ દલીલના સંદર્ભમાં છે કે વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો છે તેથી હવે નક્કી કરવા માટે કંઈ બાકી જ રહ્યું નથી.તેમાં એ વાતને નજરઅંદાજ કરવામાં આવી રહી છે કે તમેસ્પીકરના આદેશની ન્યાયિક સમીક્ષા કરી રહ્યા છો.સ્પીકરનો આદેશ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ આવી ગયો હતો. તેથી તમારું કામ માત્ર એટલું જોવાનું છે કે શું તે આદેશ નિષ્પક્ષ, યોગ્ય અને કાયદા અનુસાર હતો. તેનાથી કોઈ ફરક પડતો નથી કે વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો છે કે નહીં? આના પર બેન્ચ તરફથી જસ્ટિસ બાગચીએ કહ્યું, દલીલ એ છે કે હવે ન્યાયિક સમીક્ષા કરવી માત્ર એક શૈક્ષણિક કવાયત બનીને રહી જશે.અમે એ તો જોઈ શકીએ છીએ કે આદેશ સાચો હતો કે નહીં,પરંતુ શું અમારે એવું ત્યારે કરવું જોઈએ જ્યારે આ મુદ્દો જ માત્ર એક શૈક્ષણિક વિષય બની ગયો હોય? આના પર કપિલ સિબ્બલે ટોકતા કહ્યું, આ શૈક્ષણિક નથી વિધાનસભામાં બહુમતી જ નક્કી કરે છે કે ચૂંટણી ચિહ્ન કોનું હશે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: AMC દ્વારા શહેરમાં વધુ 19 આધુનિક પિંક ટોઇલેટનું નિર્માણ કરાશે