કર્ણાટકના બાગલકોટ સ્થિત મુગલ્લોલ્લી તાંડાની એક સરકારી શાળામાં બુધવારે ચાલુ વર્ગખંડ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.શાળામાં અભ્યાસ ચાલી રહ્યો હતો તે સમયે જ છતનો એક મોટો ભાગ અચાનક નીચે પડ્યો હતો.છતનો કાટમાળ પડતાં 6 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.જેના કારણે શાળા પરિસરમાં ભારે દોડધામ મચી ગઈ હતી.ઘટના બાદ તુરંત જ અન્ય બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
છ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી
બાગલકોટ જિલ્લા પંચાયતના મુખ્ય કારોબારી અધિકારી ગજાનન બાલેએ જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત તમામ છ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે.સારવાર અર્થે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમની સારવાર કરી હતી. હાલ વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે કોઈ ગંભીર ચિંતાની બાબત નથી. દુર્ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્રે શાળાની ઇમારતની સ્થિતિને ગંભીરતાથી લીધી છે.સીઈઓ ગજાનન બાલેએ પંચાયત રાજ એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓને ક્ષતિગ્રસ્ત ઇમારતની તાત્કાલિક સમારકામ કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યા છે.
