કર્ણાટકમાં મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના નેતૃત્વ હેઠળ કેબિનેટ વિસ્તરણ બાદ નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. 3 ઓગસ્ટે શપથ લેનારા 19 નવા મંત્રીઓના ખાતાની ફાળવણી અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ચર્ચા અને વિવિધ નેતાઓ સાથે વિચારવિમર્શ બાદ વિભાગો નક્કી કરવામાં આવ્યા છે. 

એમ.બી. પાટીલને વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ મળ્યો

મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે નાણાં, કેબિનેટ બાબતો, કર્મચારી અને વહીવટી સુધારા, ગુપ્તચર, માહિતી, કાયદો, ન્યાય અને માનવાધિકાર, સંસદીય તથા વિધાનસભા સંબંધિત બાબતો અને કૃષિ માર્કેટિંગ જેવા મહત્વના વિભાગો પોતાની પાસે રાખ્યા છે. કોઈ મંત્રીને ફાળવવામાં ન આવેલા વિભાગો પણ તેમની પાસે રહેશે. 

બી.ઝેડ. ઝમીર અહેમદ ખાનને આવાસ વિભાગ, કે.એચ. મુનિયપ્પાને સમાજ કલ્યાણ, યુ.ટી. ખાદરને લઘુમતી કલ્યાણ, હજ અને વકફ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણની જવાબદારી સોંપવામાં આવી છે. એમ.બી. પાટીલને વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ મળ્યો છે, જ્યારે રામલિંગા રેડ્ડીને વન, પર્યાવરણ અને પરિસ્થિતિકી વિભાગ આપવામાં આવ્યો છે. 

વરિષ્ઠ મંત્રીઓના ખાતામાં પણ ફેરફાર

વિભાગોની ફાળવણીમાં કેટલાક વરિષ્ઠ મંત્રીઓના ખાતામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કે.એચ. મુનિયપ્પા અગાઉ ફૂડ સપ્લાય વિભાગથી નારાજ હોવાનું કહેવાતું હતું. હવે તેમને સમાજ કલ્યાણ વિભાગ સોંપવામાં આવ્યો છે. બીજી તરફ, રામલિંગા રેડ્ડીને અગાઉ અપાયેલ જળ સંસાધન વિભાગના બદલે વન વિભાગ આપવામાં આવ્યો છે.

વિભાગોની વહેંચણીમાં અનુભવ, પ્રાદેશિક સંતુલન અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં લેવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ સાથે શિવકુમાર સરકાર હવે આગામી વિધાનસભા સત્ર માટે નવી ટીમ સાથે આગળ વધશે.

આ પણ વાંચો : Manipur : ગેરકાયદે હથિયારો સામે કડક એક્શન, 1,422 હથિયાર અને 1,137 વિસ્ફોટકો જપ્ત