કર્ણાટક કોંગ્રેસના કદાવર નેતા ડીકે શિવકુમાર આજે બુધવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આ સાથે જ તેઓ દેશના "સૌથી ધનિક મુખ્યમંત્રી" બનશે. ડીકે શિવકુમારની રાજકીયપૃષ્ઠભૂમિ મજબૂત હોવા સાથે જ વિવાદો અને કાનૂની લડાઈઓ સાથે જૂના નાતો છે. તેમના શપથ ગ્રહણ પહેલાં તેમની શાળાના શિક્ષિકા પાર્વતીએ જણાવ્યું કે ડીકે શિવકુમારમાં નેતૃત્વના ગુણો બાળપણથી જ છલકાતા હતા. સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું જે બતાવે છે કે ડીકે શિવકુમાર બહુ મોટું રાજકીય પ્રભુત્વ ધરાવે છે. જાણો અબજોસંપત્તિના માલિક ડીકે શિવકુમારના વિવાદનો નાતો.
ડીકે શિવકુમાર અબજોની સંપત્તિના માલિક
વર્ષ ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીના સોગંદનામા અનુસાર, ડીકે શિવકુમાર અને તેમના આશ્રિતોની કુલ સંપત્તિ ₹1,413.78 કરોડ છે, જે ૨૦૧૮માં ₹840.08 કરોડ હતી. બીજી તરફ, તેમના ભાઈ અને ભૂતપૂર્વ સાંસદ ડીકે સુરેશે પણ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ₹593 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. વિરોધ પક્ષો, ખાસ કરીને જેડી(એસે)ના નેતા એચ.ડી. કુમારસ્વામીએ તેમની આ અઢળક સંપત્તિના સ્ત્રોતો પર વારંવાર સવાલો ઉઠાવ્યા છે.
ડીકે શિવકુમારને ઘેરનારા મુખ્ય કાનૂની વિવાદો
- ડીકે શિવકુમાર સામે ભ્રષ્ટાચાર અને પદના દુરુપયોગના અનેક આરોપો લાગ્યા છે. તેમાંથી કેટલાક કેસ બંધ થઈ ચૂક્યા છે, તો કેટલાક હજુ પણ પેન્ડિંગ છે. 2017માં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને રિસોર્ટમાં રોકાણ બાદ તેમનું રાજકીય કદ વધુ સામે આવ્યું. કર્ણાટકમાં એક ખાસ સમુદાય પર તેમની પક્કડ જ રાજકીય સ્તરે મજબૂત હોવાનું લોકો કહે છે. ડીકે શિવકુમાર સાથે આ વિવાદો જોડાયેલા છે.
- ૨૦૧૭નો ચર્ચિત ઇનકમ ટેક્સ (I-T) દરોડો જેમાં આઇ-ટી વિભાગે દરોડા દરમિયાન ₹8.59 કરોડની રોકડ જપ્ત કરી હતી. વિભાગનો આરોપ હતો કે શિવકુમારે દિલ્હી અને બેંગલુરુમાં બિનહિસાબી રોકડના પરિવહન માટે એક મોટું નેટવર્ક ઊભું કર્યું હતું.
- 2019માં સીબીઆઈ (CBI) વિરુદ્ધ રાજ્ય સરકારની લડાઈમાં ડીકે શિવકુમારનો લડાયક મિજાજ જોવા મળ્યો. ૨૦૧૯માં તત્કાલીન ભાજપ સરકારે આવકના જાણીતા સ્ત્રોતો કરતાં વધુ સંપત્તિ (Disproportionate Assets) ના કેસમાં સીબીઆઈને તપાસની મંજૂરી આપી હતી.
- ડીકે શિવકુમાર સામે બેનીગનહલ્લી જમીન ડિનોટિફિકેશનનો કેસ છે. જમીન સુધારણા કાયદાનું ઉલ્લંઘન કરીને ૪.૨ એકર સૂચિત જમીન ખરીદવાનો આ કેસ છે, ૨૦૧૫માં હાઈકોર્ટે આ કેસ રદ કર્યો હતો, પરંતુ આ વર્ષે ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તા એસ.આર. હિરેમથે કેસ ફરી શરૂ કરવા સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન (SLP) દાખલ કરી છે. કનકપુરા અને સથાનુરના વન વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણકામના આરોપોને કારણે પણ તેઓ વિવાદોમાં રહ્યા છે.
- શિવકુમાર પર આરોપ છે કે તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને સરકારી કંપની 'મૈસુર મિનરલ્સ લિમિટેડ' પાસેથી સસ્તા દરે આયર્ન ઓર ખરીદીને ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચ્યો હતો, જેનાથી સરકારી તિજોરીને આશરે ₹૩૦૦ કરોડનું નુકસાન થયું હતું.
કર્ણાટકમાં વોક્કાલિગા સમુદાય પર ડીકે શિવકુમારની પકડ
ડીકે શિવકુમારના મજબૂત રાજકીય પ્રભાવ અને વોક્કાલિગા સમુદાય પર પકડને કારણે સમર્થકો તેમને પ્રેમથી "કનકપુરાડા બંદે" (કનકપુરાનો ખડક) તરીકે ઓળખાવે છે. જોકે, તેમના ટીકાકારો આ ઉપનામનો ઉપયોગ તેમના પર લાગેલા ગેરકાયદેસર ખાણકામના આરોપોને ટોણો મારવા માટે કરે છે. આ સિવાય, વિરોધીઓ તેમના પર ધાકધમકી અને રાજકીય પ્રભાવના દુરુપયોગના આક્ષેપો પણ લગાવતા રહ્યા છે, જેને શિવકુમાર હંમેશા નકારતા આવ્યા છે. તમામ કાનૂની અને રાજકીય ચક્રવ્યૂહને ભેદીને હવે તેઓ કર્ણાટકનું સુકાન સંભાળવા તૈયાર છે.
આ પણ વાંચો : West Bengal News : મમતાની TMCમાં ફાંટા, 59 બળવાખોર ધારાસભ્યો ઋતબ્રતને LoP ઉમેદવાર તરીકે નોમિનેટ કરશે