શ્રાવણ મહિનામાં બાબા કાશી વિશ્વનાથના દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આ વર્ષે 30 જુલાઈથી 28 ઑગસ્ટ 2026 સુધી ચાલનારા પવિત્ર સાવન માસ દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરમાં VIP અને પ્રોટોકોલ દર્શનની તમામ સુવિધાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. મંદિર પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વ્યક્તિને ખાસ ભલામણ, પ્રોટોકોલ અથવા VIP એન્ટ્રી આપવામાં આવશે નહીં અને તમામ ભક્તોએ સામાન્ય લાઈનમાં ઉભા રહીને જ દર્શન કરવા પડશે. સાથે જ, VIP દર્શનના નામે છેતરપિંડી કરતા દલાલોથી સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે.

આ પ્રવેશદ્વારોથી મળશે પ્રવેશ 

શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને વારાણસી જિલ્લા પ્રશાસન, પોલીસ અને મંદિર પ્રશાસનની સંયુક્ત બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર પ્રશાસને જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની વિશેષ દર્શનની વિનંતી સ્વીકારવામાં આવશે નહીં. ભક્તોએ માત્ર સત્તાવાર વ્યવસ્થા પર વિશ્વાસ રાખવો અને કોઈના લોભ કે ભ્રમમાં ન આવવું. શ્રી કાશી વિશ્વનાથ ધામમાં ગેટ નંબર-4, કાશી દ્વાર માર્ગ-4B, નંદુ ફરિયા, સિલ્કો, ઢુંઢિરાજ, સરસ્વતી ફાટક અને ભૈરવ દ્વાર સહિતના વિવિધ પ્રવેશદ્વારોથી સામાન્ય રીતે પ્રવેશ આપવામાં આવશે. જોકે ગંગા નદીમાં વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને મંદિર ઘાટ તરફનો ભૈરવ દ્વાર જરૂરિયાત મુજબ તાત્કાલિક બંધ રાખવામાં આવી શકે છે.

મંદિરમાં આ વસ્તુઓ લઈ જવા પર રહેશે પ્રતિબંધ 

કાશીના સ્થાનિક રહેવાસીઓને શ્રાવણ દરમિયાન સોમવાર અને તહેવારના દિવસો સિવાય દરરોજ સવારે 4થી 5 અને સાંજે 4થી 5 વાગ્યા સુધી ઝાંખી દર્શનની વિશેષ સુવિધા મળશે. જે ભક્તો ધામ સુધી પહોંચી શકશે નહીં, તેમના માટે મંદિરની સત્તાવાર વેબસાઈટ, અધિકૃત યુટ્યુબ ચેનલ અને ટાટા સ્કાય પ્લેટફોર્મ પર સમગ્ર સાવન દરમિયાન દર્શન અને પૂજનનું લાઇવ સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ રહેશે. મંદિરમાં પ્રવેશ વખતે મોબાઈલ ફોન, સ્માર્ટ વૉચ, ઈયરફોન, તમાકુ, નશીલા પદાર્થો, કોસ્મેટિક્સ, મોટા બેગ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ સાથે લાવવા પર પ્રતિબંધ રહેશે. પ્રશાસને ભક્તોને આ નિયમોનું પાલન કરીને દર્શન વ્યવસ્થાને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સરળ બનાવવા સહકાર આપવા અપીલ કરી છે.

આ પણ વાંચો : Ram Mandir Donation Scam: ભક્તોના દાનનો ખોટો ઉપયોગ કરી ટિન્નુ એન્ડ ટીમે ખરીદી જમીનો અને વૈભવી ગાડીઓ