ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામની આ વર્ષની યાત્રા હવે પોતાના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. કડકડતી ઠંડી અને ભારે હિમવર્ષાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને, પરંપરાગત વિધિ-વિધાન સાથે કેદારનાથ ધામના દરવાજા શિયાળાની ઋતુ માટે બંધ કરી દેવાની પ્રક્રિયા સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે. દરવાજા બંધ થયા પહેલા જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા કેદારના અલૌકિક દર્શન કરવા માટે મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર ક્ષણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ભાવુક બની ગયું હતું.

કેદારનાથ ધામના કપાટ થશે બંધ

શાસ્ત્રોક્ત વિધિ મુજબ, મંદિરના દરવાજા સવારે નિર્ધારિત સમયે બંધ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ વિશેષ અવસર પર બાબા કેદારના સ્વયંપ્રકાશિત શિવલિંગને વિશેષ પૂજા-અર્ચના બાદ ભસ્મ અને સમાધિ રૂપમાં ઢાંકવાની પરંપરાગત વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. કપાટ બંધ થયા પછી, બાબા કેદારનાથની પવિત્ર ઉત્સવની પાલખી (ડોલી) વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિસંગીત સાથે પરંપરાગત શોભાયાત્રા રૂપે શિયાળાના પ્રવાસ માટે રવાના થઈ હતી.

ભક્તોએ હવે બાબાના દર્શન માટે આગામી વર્ષ માટે જોવી પડશે રાહ

આગામી છ મહિના સુધી કેદારનાથ ધામમાં ભારે બરફવર્ષા અને પ્રતિકૂળ હવામાન રહેતું હોવાથી, બાબા કેદારની મૂર્તિ અને ઉત્સવ વિગ્રહને તેમના શિયાળુ નિવાસસ્થાન ખાતે ખસેડવામાં આવે છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ભક્તો આગામી યાત્રા સીઝન શરૂ થાય ત્યાં સુધી બાબા કેદારના દર્શન અને પૂજા તેમના શિયાળુ આસન પર જ કરી શકશે.

દરવાજા બંધ થવાની આ અંતિમ સંધ્યાએ યોજાયેલી ભવ્ય આરતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેને જોઈને દેશભરના શ્રદ્ધાળુઓ ભાવવિભોર થઈ ગયા હતા. યાત્રાના આ અંતિમ ચરણ સાથે જ આ વર્ષની કેદારનાથ ધામની યાત્રા સત્તાવાર રીતે સંપન્ન થઈ છે, અને હવે શ્રદ્ધાળુઓએ આગામી વર્ષે કપાટ ખુલે તેની રાહ જોવી પડશે.

આ પણ વાંચોઃ Weather Alert: જમ્મુ-કાશ્મીરથી લઈને કેરળ સુધી વરસાદનો નવો રાઉન્ડ, આ 4 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી