દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે દિલ્હી પોલીસ તપાસમાં લાગી છે. તિલક નગરના ધારાસભ્ય જરનૈલ સિંહનો દાવો છે કે આ ધમકી કથિત રીતે આપવામાં આવી છે.

ધારાસભ્યના જણાવ્યા અનુસાર, ફોન કરીને અરવિંદ કેજરીવાલ પાસે 7 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જો આ રકમ નહીં આપવામાં આવે તો કેજરીવાલ અને તેમની પુત્રી હર્ષિતા કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો દાવો છે.

ધારાસભ્ય જરનૈલ સિંહને આવ્યો ફોન અને WhatsApp મેસેજ

તિલક નગરના ધારાસભ્ય જરનૈલ સિંહે દિલ્હી પોલીસને જણાવ્યું કે તેમને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને WhatsApp પર મેસેજ પણ મળ્યો હતો. ફોન કરનારે પોતાને વિદેશ સાથે જોડાયેલી આ ગેંગનો સભ્ય ગણાવ્યો હતો.

જરનૈલ સિંહના જણાવ્યા અનુસાર, ફોન કરનારે 7 કરોડ રૂપિયાની માગણી કરી હતી. સાથે જ ધમકી આપી હતી કે જો પૈસા નહીં આપવામાં આવે તો અરવિંદ કેજરીવાલ અને તેમની પુત્રી હર્ષિતા કેજરીવાલની હત્યા કરવામાં આવશે. આ મામલે દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. જોકે, ધમકી પાછળ ખરેખર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ છે કે નહીં તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

ધારાસભ્યે પોલીસને સોંપી સંપૂર્ણ વિગતો

ધારાસભ્ય જરનૈલ સિંહે પોલીસને આરોપીના મોબાઇલ નંબરની કોલ ડિટેલ રેકોર્ડ (CDR), IP લોગ અને લોકેશન ટ્રેસ કરવાની માગ કરી છે. આ ઉપરાંત આરોપી સાથે સંકળાયેલા અન્ય લોકોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવાની પણ અપીલ કરી છે.

તેમણે સંબંધિત સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગ કરી છે. ફરિયાદ સાથે ધમકીભર્યા WhatsApp મેસેજનો સ્ક્રીનશૉટ પણ પોલીસને સોંપવામાં આવ્યો છે.

https://x.com/sandeshnews/status/2120790579747692827?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2120790579747692827%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

કેજરીવાલ અને પરિવાર માટે સુરક્ષાની માગ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જરનૈલ સિંહે અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવાર માટે પૂરતી સુરક્ષા પૂરી પાડવાની માગ કરી છે. બીજી તરફ, આ મામલાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે ધમકી આપવા માટે ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ નંબરના કોલ રેકોર્ડ, ઇન્ટરનેટ પ્રોટોકોલ (IP) લોગ અને લોકેશન ડેટાની તપાસ કરવામાં આવી રહી છે.

2024માં પણ મળી હતી કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી

ઉલ્લેખનીય છે કે મે 2024માં પણ અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તે સમયે મેટ્રો ટ્રેનના કોચની અંદર અનેક ધમકીભર્યા સંદેશા લખવામાં આવ્યા હતા.

આ મામલે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ભાજપ પર કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d