કેરલમ્ ના ઇલાથુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય વિદ્યા બાલકૃષ્ણન સાથે સાયબર છેતરપિંડીના પ્રયાસનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ધારાસભ્યને એક અજાણ્યા વ્યક્તિ તરફથી વોટ્સએપ કોલ આવ્યો હતો. આગામી કેબિનેટ ફેરબદલનો ઉલ્લેખ કરીને તેણે તેમને મંત્રી બનાવવાનું વચન આપ્યું હતું. છેતરપિંડી કરનારે આ ઓફરના બદલામાં ₹3 કરોડની માંગણી કરી હતી. આ ઘટના 6 જુલાઈના રોજ બની હતી. જ્યારે ધારાસભ્ય વિદ્યા બાલકૃષ્ણનને વોટ્સએપ કોલ મળ્યો, ત્યારે ફોન કરનારે અંગ્રેજીમાં વાત કરી.

તેણે પોતાનો પરિચય રાજકુમાર તરીકે આપ્યો અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીના કાર્યાલયથી ફોન કરી રહ્યો હોવાનો દાવો કર્યો. વધુમાં, ફોન કરનારે દાવો કર્યો કે તે જ જિલ્લાના અન્ય સાંસદે વિદ્યા બાલકૃષ્ણનનો મોબાઇલ નંબર તેમની સાથે શેર કર્યો હતો. શરૂઆતથી જ કંઈક વિચિત્ર લાગતાં ધારાસભ્યને ઝડપથી ખ્યાલ આવ્યો કે તે એક ઓનલાઈન કૌભાંડ છે. જો કે, તેમણે આરોપીને પકડવા અને યોજનાનો પર્દાફાશ કરવાના હેતુથી વાતચીત ચાલુ રાખી. વિદ્યા બાલકૃષ્ણને ફોન કરનારને કહ્યું કે તે પૈસા ચૂકવવા તૈયાર છે અને પૂછ્યું કે તે તેમને મંત્રી તરીકે કેવી રીતે બનાવશે.

છેતરપિંડી કરનારે 'ઓપરેશન' સમજાવ્યું

આશરે 10 મિનિટની વાતચીત દરમિયાન ફોન કરનારે વિગતવાર સમજાવ્યું કે કેવીરીતે તે તેમને કેબિનેટમાં જગ્યા અપાવવાની પ્રક્રિયાને અંજામ આપશે. કોલ ડિસ્કનેક્ટ થયા પછી ધારાસભ્યએ તરત જ સાંસદનો સંપર્ક કર્યો, જેના નામનો ઉપયોગ છેતરપિંડી કરનારે ફોન નંબરનો દાવો કરવા માટે કર્યો હતો. સાંસદે ધારાસભ્યને જાણ કરી કે તેમને થોડા સમય પહેલા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) મુખ્યાલયના હોવાનો દાવો કરનાર એક વ્યક્તિનો પણ ફોન આવ્યો હતો, જેણે જિલ્લાના બે ધારાસભ્યોના ફોન નંબર માંગ્યા હતા. આ પછી ધારાસભ્ય વિદ્યા બાલકૃષ્ણન અને સંબંધિત સાંસદે સંયુક્ત રીતે પ્રિયંકા ગાંધીના વાસ્તવિક કાર્યાલયનો સંપર્ક કર્યો. તેમણે સ્પષ્ટતા કરી કે તેમના કાર્યાલયમાંથી આવો કોઈ કોલ કરવામાં આવ્યો નથી અને તે સંપૂર્ણપણે નકલી કોલ હતો.

છેતરપિંડી કરનારાઓનું દિલ્હી કનેક્શન

છેતરપિંડીમાંથી બચી ગયા પછી, ધારાસભ્યએ તરત જ કોઝિકોડ સાયબર સેલમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી. પાથમિક ટેકનીકલ તપાસ પછી સાયબર સેલે પુષ્ટિ કરી કે છેતરપિંડી કરનાર WhatsApp કૉલ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી જનરેટ થયો હતો. પોલીસે કેસ નોંધીને છેતરપિંડી કરનારાઓની આ ગેંગને શોધવા માટે વિગતવાર તપાસ શરૂ કરી છે.