ભારતીય વાયુસેના (IAF) માટે છેલ્લા 11 મહિના અત્યંત પડકારજનક રહ્યા છે. દેશના ગૌરવ સમાન સ્વદેશી 'તેજસ' (LCA) ફાઇટર જેટ્સ એક પછી એક અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં 7 ફેબ્રુઆરી, 2026ના રોજ થયેલા અકસ્માતે વાયુસેનાને મોટું આર્થિક અને વ્યૂહાત્મક નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટના બાદ વાયુસેનાએ સાવચેતીના ભાગરૂપે તેના લગભગ ૩૦ સિંગલ-સીટ તેજસ વિમાનોના સમગ્ર કાફલાને ઉડાન ભરતા અટકાવી (ગ્રાઉન્ડેડ કરી) દીધા છે.


તાજેતરનો અકસ્માત અને સંભવિત ખામી

7 ફેબ્રુઆરીના રોજ એક ફ્રન્ટલાઈન એરબેઝ પર તાલીમ ઉડાન દરમિયાન એક તેજસ વિમાન લેન્ડિંગ કરતી વખતે રનવે પરથી ઉતરી ગયું હતું. પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ 'બ્રેક ફેલ્યોર'ને કારણે વિમાન કાબૂ બહાર ગયું અને ખાડામાં ખાબક્યું હોવાનું મનાય છે. સદભાગ્યે પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, પરંતુ વિમાનના એરફ્રેમને એટલું નુકસાન થયું છે કે તે હવે ઉડવા લાયક રહ્યું નથી.

આર્થિક ફટકો અને કરોડોનું નુકસાન

એક તેજસ વિમાનની કિંમત સામાન્ય નાગરિકની કલ્પના બહારની હોય છે. વર્ષ 2025 ના સરકારી આંકડા મુજબ, એક તેજસ Mk-1A ની સરેરાશ કિંમત ₹640 થી ₹650 રોડ જેટલી થાય છે. છેલ્લા 11 મહિનામાં થયેલા ત્રણ અકસ્માતોનું કુલ આર્થિક નુકસાન આશરે ₹1920 થી ₹2000 કરોડ હોવાનો અંદાજ છે. આમાં માત્ર વિમાનની કિંમત જ નહીં, પરંતુ પાયલોટની તાલીમ, સ્પેરપાર્ટ્સ અને ઓપરેશનલ ખર્ચનો પણ સમાવેશ થાય છે.

ચિંતાજનક શ્રેણીબદ્ધ ઘટનાઓ

તેજસ કાર્યક્રમમાં અકસ્માતોનો આ સિલસિલો માર્ચ 2024 માં જેસલમેરથી શરૂ થયો હતો. ત્યારબાદ નવેમ્બર ૨૦૨૫માં દુબઈ એરશો દરમિયાન એક દુઃખદ અકસ્માત થયો જેમાં એક પાયલોટે જીવ ગુમાવ્યો. હવે, ફેબ્રુઆરી 2026ની આ ઘટનાએ તેજસની ટેકનિકલ વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને જ્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) પહેલેથી જ વિમાનોની ડિલિવરીમાં વિલંબનો સામનો કરી રહી છે, ત્યારે આવા અકસ્માતો ચિંતા વધારે છે.

આ પણ વાંચોઃ ખિસ્સામાં રહેલું Debit Card અપાવશે ₹10 લાખનો વીમો, જાણો કેવી રીતે મળશે આ મફત લાભ!


  • Follow us on: