ભારતીય રેલ્વે જે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે, તે હવે એક ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. નવા વર્ષના અવસરે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પ્રથમ બુલેટ ટ્રેનને લઈને મહત્વની જાહેરાત કરી છે. ભારતની પ્રથમ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ, 2027 સુધીમાં પાટા પર દોડતી જોવા મળશે.
કયા શહેરો વચ્ચે દોડશે પ્રથમ બુલેટ ટ્રેન?
રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ સેવાની શરૂઆત તબક્કાવાર કરવામાં આવશે. પ્રથમ તબક્કો: શરૂઆતમાં આ ટ્રેન ગુજરાતના સુરત અને બીલીમોરા વચ્ચે દોડશે. બીજો તબક્કો: ત્યારબાદ વાપીથી સુરત સુધીનો સેક્શન ખોલવામાં આવશે. અંતિમ લક્ષ્ય: ક્રમશઃ થાણે-અમદાવાદ સેક્શન ઉમેરાશે અને છેલ્લે મુંબઈથી અમદાવાદ સુધીનો આખો હાઈ-સ્પીડ કોરિડોર કાર્યરત થશે.
કેટલું હશે ટિકિટનું ભાડું?
બુલેટ ટ્રેનના ભાડાને લઈને સામાન્ય જનતામાં ભારે ઉત્સુકતા છે. જોકે સત્તાવાર દર હજુ જાહેર થયા નથી, પરંતુ પ્રારંભિક અંદાજો મુજબ; મુંબઈથી અમદાવાદ સુધીની મુસાફરીનું ભાડું ₹3,000 થી ₹5,000 ની વચ્ચે હોઈ શકે છે. સરકારનો પ્રયાસ છે કે ભાડું મધ્યમ વર્ગની પહોંચમાં રહે અને હવાઈ મુસાફરી કરતા સસ્તું હોય. સમયની બચત અને લક્ઝરી સુવિધાઓને ધ્યાને રાખીને ભાડાનું માળખું એ રીતે નક્કી કરવામાં આવશે કે મુસાફરોના ખિસ્સા પર વધુ ભાર ન પડે.
રેલવે મંત્રીનો આશાવાદ
અશ્વિની વૈષ્ણવે હળવાશથી લોકોને તૈયારી કરી લેવા જણાવ્યું છે કારણ કે બુલેટ ટ્રેન હવે દૂર નથી. આ પ્રોજેક્ટ માત્ર મુસાફરીનો સમય જ નહીં ઘટાડે, પરંતુ બે મોટા રાજ્યો (ગુજરાત અને મહારાષ્ટ્ર) વચ્ચેના આર્થિક જોડાણને પણ નવી ગતિ આપશે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો