દેશભરમાં એલપીજી (LPG) વપરાશકર્તાઓ માટે કોમર્શિયલ સિલિન્ડરની ડિલિવરી પ્રક્રિયામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ભારત ગેસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલી આ નવી સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય ડિલિવરીમાં થતી અનિયમિતતાઓ, છેતરપિંડી અને ગ્રાહકોની ફરિયાદોને રોકવાનો છે. હવેથી, કોમર્શિયલ સિલિન્ડરની ડિલિવરી ફક્ત નિર્ધારિત પ્રક્રિયા અને ચકાસણી બાદ જ કરવામાં આવશે.

શું છે આ DAC કોડ?

નવા નિયમ મુજબ, ભારત ગેસ હવે 'DAC કોડ' (Delivery Authentication Code) સિસ્ટમ દ્વારા સિલિન્ડર પહોંચાડશે. જ્યારે ગ્રાહક સિલિન્ડર બુક કરાવે છે, ત્યારે તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આ કોડ આવશે. જ્યારે ડિલિવરી એજન્ટ સિલિન્ડર લઈને સ્થળ પર પહોંચે, ત્યારે ગ્રાહકે આ કોડ તેમને આપવાનો રહેશે. જો કોડ મેચ થશે, તો જ ડિલિવરી સફળ ગણાશે. આ કોડ એક પ્રકારનો OTP છે, જે સુરક્ષા માટે અત્યંત મહત્વનો છે. ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ અને વ્યવસાયિક એકમો માટે આ નિયમનું પાલન કરવું ફરજિયાત છે.

ગ્રાહકો માટે ખાસ સૂચનાઓ

કંપનીએ ગ્રાહકોને સ્પષ્ટ સલાહ આપી છે કે તેઓ ડિલિવરી એજન્ટને અગાઉથી કોડ ન આપે. પહેલા સિલિન્ડરની સ્થિતિ અને વજનની યોગ્ય તપાસ કરી લેવી જોઈએ અને ત્યારબાદ જ ડિલિવરી એજન્ટ સાથે કોડ શેર કરવો જોઈએ. વધુમાં, ડિલિવરી બાદ એજન્ટ હવે ગ્રાહકને ભૌતિક બિલને બદલે ડિજિટલ કેશ મેમો આપશે, જેની વિગતો ગ્રાહકના મોબાઈલ પર ઉપલબ્ધ રહેશે. આ પગલાથી કાગળના બિલનો વપરાશ ઘટશે અને ડિલિવરીનો પારદર્શક ઓનલાઈન રેકોર્ડ જળવાઈ રહેશે.

મોબાઈલ નંબર અપડેટ રાખવો અનિવાર્ય

આ નવી વ્યવસ્થામાં ગ્રાહકનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સક્રિય હોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે તમામ માહિતી અને કોડ તે નંબર પર જ આવશે. જો કોઈ ગ્રાહકનો નંબર બંધ હોય તો તેને તાત્કાલિક અપડેટ કરી લેવો જોઈએ. DAC કોડને કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવાની પણ કંપની દ્વારા કડક તાકીદ કરવામાં આવી છે.

DAC સિસ્ટમ દરેક માટે ફાયદાકારક

આ નવી DAC સિસ્ટમ માત્ર ગ્રાહકોની સુરક્ષા જ નહીં પરંતુ ગેસ એજન્સીઓની કાર્યક્ષમતામાં પણ વધારો કરશે. ખોટી એન્ટ્રીઓ અને ડિલિવરી અંગેના વિવાદોને રોકવા માટેનું આ એક અત્યંત અસરકારક અને આધુનિક પગલું છે, જેનાથી ગ્રાહકોને વધુ સારી અને ભરોસાપાત્ર સેવા મળી રહેશે.

આ પણ વાંચોઃ ગરીબી વચ્ચે વધતી વસ્તી,દુનિયાનો એવો દેશ જ્યાં ધડાધડ જન્મે છે બાળકો!