હાલના સમયમાં બદલાતા હવામાન અને ખાસ કરીને 'અલ નીનો'ની અસરને કારણે ખેતી ક્ષેત્રે અનિશ્ચિતતા વધી છે. ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક ભયંકર દુષ્કાળ ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફેરવી દે છે. આવી કટોકટીની સ્થિતિમાં ખેડૂતોને આર્થિક પાયમાલીથી બચાવવા માટે ભારત સરકારની 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' (PMFBY) એક સુરક્ષા કવચ સમાન સાબિત થઈ રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કુદરતી આફતોને કારણે પાકને થતા નુકસાન સામે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે.
ઓછું પ્રીમિયમ વળતર પુરું
આ યોજનાની સૌથી મોટી વિશેષતા તેનું ખૂબ જ ઓછું પ્રીમિયમ છે. ખેડૂતોને આર્થિક બોજો ન પડે તે માટે સરકારે પ્રીમિયમ દર ખૂબ જ નજીવા રાખ્યા છે. ખરીફ પાક માટે માત્ર ૨%, રવિ પાક માટે ૧.૫%, અને બાગાયતી કે વાણિજ્યિક પાક માટે મહત્તમ ૫% પ્રીમિયમ જ ખેડૂતે ભરવાનું રહે છે. બાકીનો મોટો હિસ્સો સરકાર પોતે ભોગવે છે. ખેડૂતો હવે ઘરબેઠા સત્તાવાર પોર્ટલ પર જઈને 'ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટર' દ્વારા પોતાના પાક અને જમીન વિસ્તાર મુજબ પ્રીમિયમની ગણતરી કરી શકે છે, જે આ પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવે છે.
પાક નિષ્ફળનો દાવો કરવાની પ્રક્રિયા સરળ
જો અલ નીનો કે અન્ય કોઈ કારણસર પાક નિષ્ફળ જાય, તો દાવો (Claim) કરવાની પ્રક્રિયા પણ ખૂબ સરળ છે. ખેડૂતોએ નુકસાન થયાના ૭૨ કલાકની અંદર વીમા કંપની, સ્થાનિક કૃષિ વિભાગ અથવા ટોલ-ફ્રી નંબર દ્વારા જાણ કરવાની રહેશે. આ જાણકારી મળ્યા બાદ, કૃષિ અધિકારીઓ ખેતરની મુલાકાત લઈ નુકસાનનું સર્વેક્ષણ કરે છે. આ સર્વેક્ષણ રિપોર્ટના આધારે વળતરની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી વચેટિયાઓની કોઈ ભૂમિકા રહેતી નથી.
ખેડૂતોએ ક્યાંય ધક્કા ખાવાની જરૂરત નથી
પોતાના દાવાની વર્તમાન સ્થિતિ તપાસવા માટે ખેડૂતોએ ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. PMFBY ના અધિકૃત પોર્ટલ પર જઈને 'અરજી સ્થિતિ' (Application Status) પર ક્લિક કરી, માત્ર રસીદ નંબર કે અરજી નંબર દાખલ કરીને સ્થિતિ જાણી શકાય છે. આમ, ડિજિટલ યુગમાં આ યોજના ખેડૂતો માટે આત્મનિર્ભરતાનો માર્ગ મોકળો કરે છે. કુદરતી આફતો સામે લડવાની હિંમત આપતી આ યોજના દરેક ખેડૂત માટે અનિવાર્ય છે, જેથી તેઓ કોઈપણ ભય વગર ખેતી કરી શકે અને પોતાનું તથા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત રાખી શકે.
આ પણ વાંચોઃ VIP Culture: રાજ્યપાલના કાફલાને કારણે ગર્ભવતી મહિલા સાઇડમાં તડપતી રહી, પતિએ કર્યો અનોખો વિરોધ, VIDEO