ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા કરતા શ્રદ્ધાળુઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. IRCTC દ્વારા કેદારનાથ ધામ માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુકિંગ સેવા શરૂ કરી દેવામાં આવી છે. હવે શ્રદ્ધાળુઓ કોઈપણ મુશ્કેલી વગર પોતાના ઘરે બેઠા જ IRCTC ની સત્તાવાર વેબસાઇટ દ્વારા કેદારનાથની હેલિકોપ્ટર ટિકિટ બુક કરી શકશે. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ (UKADA) અને IRCTC વચ્ચેના સહયોગથી આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ઓનલાઇન બુકિંગ પ્રક્રિયા શરૂ થશે

આ ઓનલાઈન બુકિંગ પ્રક્રિયા આજથી (9 ઓક્ટોબર) બપોરે 3 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે. જે યાત્રાળુઓ 16 ઓક્ટોબરથી 9 નવેમ્બર વચ્ચે કેદારનાથ જવા માંગતા હોય, તેઓ આ સેવાનો લાભ લઈ શકે છે. ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે કેદારનાથ માટે હેલિકોપ્ટર ટિકિટ માત્ર અને માત્ર ઓનલાઈન જ બુક થઈ શકશે, ઓફલાઈન ટિકિટ મેળવવાની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નથી.

આ રીતે ઘરે બેઠાં કરો બુકિંગ

ઘરે બેઠા ટિકિટ બુક કરવા માટે યાત્રાળુઓએ IRCTC ની સમર્પિત વેબસાઇટ (https://www.heliyatra.irctc.co.in/) પર જવું પડશે. હોમ પેજ પર ગયા પછી 'બુક ટિકિટ' વિકલ્પ પર ક્લિક કરીને યુઝરે પોતાનું એકાઉન્ટ બનાવવાનું રહેશે. મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા લોગ ઇન કર્યા બાદ, શ્રદ્ધાળુઓ નિર્ધારિત તારીખો (૧૬ ઓક્ટોબરથી ૯ નવેમ્બર) માટે પોતાની હેલિયાત્રા ટિકિટ સરળતાથી બુક કરી શકશે.

લાખો શ્રદ્ધાળુઓએ કર્યા ચારધામના દર્શન

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચારધામ યાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથ અને અન્ય ધામોના દર્શન કર્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, કેદારનાથના કપાટ ખુલ્યા પછી અત્યાર સુધીમાં રેકોર્ડબ્રેક ૧૧ લાખથી વધુ ભક્તો બાબાના દર્શનાર્થે પહોંચ્યા છે. આ ઉપરાંત બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને હેમકુંડ સાહિબમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે. હેલિકોપ્ટર બુકિંગની આ નવી ઓનલાઈન સુવિધા શરૂ થવાથી હવે વૃદ્ધો અને અશક્ત શ્રદ્ધાળુઓ માટે કેદારનાથની યાત્રા વધુ સરળ અને સુખદ બનશે.

આ પણ વાંચોઃ WhatsApp પર હવે મેસેજ ટાઇપ નહીં કરવો પડે, તમારા વતી આ રીતે જવાબ આપશે AI!કરો સેટિંગ